તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:ખેડા જિલ્લામાં ચોરીના બે અલગ અલગ બનાવ, તસ્કરોએ મધ્યાહન ભોજન યોજનાનું અનાજ પણ ના છોડ્યું

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં તબીબના ઘરમાંથી એક લાખની કિંમતના દાગીનાની ચોરી

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર વચ્ચે તસ્કરો બેખોફ બન્યા છે. એક બાજુ રાત્રિ કર્ફ્યૂ છે તો બીજી તરફ રાતના અંધારામાં તસ્કરો પોતાનો મનસુબો પાર પાડી રહ્યા છે. પોલીસની નિષ્ક્રિયતા અને શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ ન થતું હોવાની ફરિયાદ ઉઠી છે. જીલ્લામાં આજે બે જુદા જુદા સ્થળોએ ચોરીના બનાવો પ્રકાશમાં આવતાં આ અંગેની ફરિયાદ હદ ધરાવતા પોલીસ મથકે નોંધાઇ છે.

નડિયાદમાં તબીબના ઘરે ચોરી થતાં ચકચાર
નડિયાદ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં કૃષ્ણદર્શન સોસાયટીના મકાન નં. સી/6માં રહેતા કુણાલસિંહ કિરણસિંહ રાઉલજીના મકાનમાં તસ્કરોએ ચોરી કરી છે. તેઓ નડિયાદ સ્થિત મહાગુજરાત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને અહીંયા ભાડે મકાન રાખી તેમની પત્ની સાથે રહે છે.

કુણાલસિંહ હોસ્પિટલમાં શીપ વાઈસ નોકરી કરી કોવિડ દર્દીઓને સારવાર આપે છે. ગત 28મે ના રોજ તેમની નાઈટ શીપ હતી. જેથી તેઓ ઘરેથી આ દિવસની સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ઉપરોક્ત હોસ્પિટલમાં ફરજ પર ગયા હતા. જે બાદ રાત્રે બે વાગ્યાની આસપાસ શીપ પૂરી કરી તેઓ સવા બે વાગ્યાની અરસામાં પોતાના ઘરે પહોંચ્યા હતા. ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘરે કુણાલસિંહ સુઈ ગયા હતા.

સવારે 8 વાગ્યે તબીબની પત્ની અવની જાગતાં તેણે પોતાના ઘરમાં સરસામાન વેરવિખેર હાલતમાં જોયો હતો. તેથી મહિલાએ પોતાના પતિ કુણાલસિંહને ઊંઘમાંથી જગાડી તપાસ કરાવતાં ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. કુણાલસિંહના જણાવ્યા પ્રમાણે તસ્કરોએ ટેરેસ પરની કેબીનનું હેન્ડલ લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ઘરમાં મુકેલ તીજોરીનું લોક તોડી લોકરમાં મુકેલ આશરે 6 તોલાના સોનાના દાગીના કિંમત રૂપિયા 1 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે.

માતરના ભલાડામાં મધ્યાહન ભોજનના અનાજના કટ્ટાની ઉઠાંતરી
જ્યારે અન્ય એક ચોરીનો બનાવ માતર પંથકમાં બન્યો છે. તાલુકાના ભલાડા ગામે પ્રાથમિક કુમાર શાળાની અંદર ચાલતાં મધ્યાહન ભોજનમાં તસ્કરોએ અનાજના કટ્ટાની ચોરી કરી છે. ગત તા 28મે થી 2 જુનના સમય દરમિયાન અહીંયા તસ્કરોએ આ રૂમનુ તાડુ તોડી અંદરથી ઘઉંના કટ્ટા નંગ 6 અને ચોખાના કટ્ટા નંગ 6 મળી આશરે 12 હજારના કિંમતના અનાજની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ અંગે મધ્યાહન ભોજનના સંચાલક ભાનુબેન નટુભાઈ રોહિતે લીંબાસી પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...