તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણ જન્મોત્સવ કાઉન્ટડાઉન:યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીનો થનગનાટ, મંદિર પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોનો ધીમે ધીમે રણછોડજી મંદિરમાં ઘસારો

શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવ આ દિવસે નટખટ કાનુડાનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ખુબજ મહત્વ રહેલું છે. યાત્રાધામ ડાકોરમાં આ તહેવારની પારંપરિક રીતે દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓ આ દિવસે અહીંયા દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સોમવારે એટલે કે આવતીકાલે આ પર્વની રંગેચંગે ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ભક્તોનો એક દિવસ અગાઉ જ ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં મીનીટ ટુ મીનીટ જોઈએ તો સોમવારે સવારે 6:30 વાગ્યે નીજ મંદિર ખુલશે આ બાદ 6:45 મીનીટે મંગળા આરતી થશે. ત્યારબાદ રાજભોગ અને 12:30 વાગ્યે ઠાકોરજી પોઢી જશે. જે પછી સીધુ સાંજે પોણા પાંચ વાગ્યે દર્શન ખુલશે.

આ બાદ 5 વાગ્યે ઉત્થાપન આરતી થઈ શયનભોગ અને સુખડી ભોગ થશે. આ બાદ રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. સેવા થઈ મોટોમુગટ ધરી પારણે બેસાડી આરતી કરવામાં આવશે. વહેલી સવારે 4થી 5 વાગ્યાની આસપાસ મહાભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટ જામશે. અને વાતાવરણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે ગૂંજી ઉઠશે. અહીંયા પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતીકાલના પર્વને લઈ ભક્તોમાં આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. કૃષ્ણ જન્મોત્સવના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભક્તો ડાકોર ખાતે ઉમટ્યા છે. ડાકોરના બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. રવિવારે પર્વના પૂર્વ સંધ્યાએ સોનાની દિવીમાં આરતી કરવામાં આવશે. આવતીકાલે મધ્ય રાત્રીએ ભાવિક ભક્તોની જનમેદનીથી મંદિર પરિસર ચિક્કાર થશે. અને જય રણછોડ માખણ ચોર, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ લાલ કી ના નાદથી ડાકોર ગૂંજી ઉઠશે. લાલાને માખણ મીશ્રી, પંચાજીરીનો પ્રસાદ ધરાવવામાં આવશે. તિલક ચાલ્લો કરી ભગવાનને પારણે જુલાવવામાં આવશે. આ કૃષ્ણ જન્મોત્સવ સમયે મંદિર પ્રશાસન કોવિડની ગાઈડલાઈનનું પાલન કેટલા અંશે કરવા સફળ નીવડશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...