પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. યોગનું યોગ આજે સોમવાર પણ છે. ખેડા જિલ્લામાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગૂંજી ઉઠ્યાં છે. વહેલી સવારથી જ શિવ ભક્તો શિવને રીઝવવા માટે શિવજીના મંદિર આવી પહોંચ્યા હતા. ભક્તો ભક્તિભાવ પૂર્વક આ પવિત્ર માસની આગામી એક માસ સુધી શ્રધ્ધાભેર ઉજવણી કરશે.
હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો ખુબજ ધાર્મિક મહત્વ છે. આ માસ દરમિયાન શિવજીનું પૂજન અર્ચન થાય છે. સાથે સાથે શિવજીને રીઝવવા ભક્તો દ્વારા શિવલીંગ પર દૂધ, જળનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવ ભક્તો આજે વહેલી સવારથીજ શિવ મંદિરોમાં ઉમટ્યા હતા. જેના કારણે શિવાલયોમાં ચારેય કોર ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગૂંજી ઉઠ્યાં છે. ગળતેશ્વર ખાતેનું ઐતિહાસિક મહાદેવનું મંદિર, કપડવંજના ઉતંકઠેશ્વર મહાદેવ, નડિયાદમાં સુપ્રસિદ્ધ માઈ મંદિર, ખેડાના રઢુ તેમજ શંકરાચાર્ય નગર સહિત માતર, વસો, કઠલાલ, કપડવંજ, ઠાસરા, મહેમદાવાદ સહિતના તમામ તાલુકા મથકોએ આવેલા શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
શ્રાવણ માસના દર સોમવારે શિવાલયોમાં શિવનો અનોખો સાજ શણગાર રચવામાં આવે છે. સમી સાંજે શિવાલયોમાં આકર્ષક ફુલોની વાડી તૈયાર કરવામાં આવે છે. અને જે બાદ શિવની મહાઆરતી, ભસ્મ આરતી કરવામાં આવે છે. આ માસ દરમિયાન શિવાલયોમાં શિવ મહિમના સ્ત્રોતમનો પાઠ સહિત મહાલઘુ રૂદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. આમ સમગ્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિભાવ પૂર્વક આરાધના કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.