તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100 દિવસ:દિલીપ શેઠના આપઘાત કેસમાં પોલીસનું રટણ, તપાસ ચાલુ છે

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુત્રધાર મનાતાં સંજય- સુરેશ આગોતરા જામીન સાથે હાજર થઇ મુક્ત થઇ ગયા

નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠના આપઘાતને સો દિવસ પૂર્ણ થયા છે. આ દિવસો દરમિયાન પોલીસ માત્ર તપાસનું જ રટણ કરી રહી છે. આ સો દિવસ દરમિયાન મુખ્ય આરોપીએ આગોતરા મેળવીને પોલીસ સમક્ષ હાજર થઇ નિર્દોષ હોવાનું નિવેદન આપી મુક્ત થઇ ગયાં છે. જેને પગલે પોલીસ આ મામલે હાથ ઘસતી રહી ગઈ છે. શહેરના અતિ ચકચારી મામલામાં પહેલેથી જ પોલીસની તપાસ સામે સવાલો ઉભા થયાં હતાં.

નડિયાદ શહેરના પ્રતિષ્ઠીત બિલ્ડરમા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપ શેઠે 20મી ઓગષ્ટ, 2020ના રોજ તેમના ગુતાલ સ્થિત ફાર્મ હાઉસ ખાતે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસની તપાસ નડિયાદ ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે. આ કેસમાં શરૂઆતથી જ પોલીસે ઢીલી તપાસ આદરી હતી. જેમાં બે દિવસ બાદ દિલીપ શેઠના પત્ની મધુરિકાબહેનની ફરિયાદના આધારે પોલીસે વડોદરાના સિદ્ધિ વિનાયક ફાયનાન્સના માલિક સુરેશ અને નડિયાદના સંજય નામના શખસ સામે ગુનો નોંધ્યો હતો. આ ગુના નોંધ્યાના 100 દિવસમા પણ પોલીસ મુખ્ય આરોપીની ધરપકડ કરી શકી નથી. આ ગાળામાં સુરેશ અને સંજય બન્નેએ આગોતરા પણ મેળવી લીધા હતાં અને આ આગોતરા સાથે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હાજર થઇ પોતે આ કેસમાં કશું જાણતા ન હોવાનું જણાવી જામીન પર મુક્ત થઇ ગયાં હતાં.

નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ કેસમાં પહેલેથી આરોપીઓને બચવા માટેનો સમય આપ્યો હોય તેવું લોકોમાં ચર્ચાતુ હતું. તેમાંય બન્ને આરોપી આગોતરા સાથે હાજર થયા બાદ પણ આ મામલાના મુળ સુધી જવા માટે પોલીસ દ્વારા રિમાન્ડ પણ માંગવામાં ન આવ્યા હોવાથી આશ્ચર્ય ઉપજાવી રહી છે. સુરેશ અને સંજયના પોતે નિર્દોષ હોવાના નિવેદનને જ સત્ય માની જામીન પર મુક્ત કરી દીધા હતાં. જેને કારણે આપઘાત પ્રકરણમાં કુંલડીમાં ગોળ ભંગાયો હોય તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે. જોકે 100 દિવસ બાદ પણ પોલીસ તપાસમાં ઠે઼રની ઠેર જ છે.

વિજય તળપદાની અટકાયત બાદ તપાસ અભેરાઇ ચડી
નડિયાદ ગ્રામ્ય પોલીસે દિલીપ શેઠ આપઘાત પ્રકરણમાં ઘટનાના 5 જ દિવસમાં વિજય તળપદાની અટક કરવામાં આવી હતી. દિલીપ શેઠ પાસેથી મળી આવેલી લેણદારોની ચીઠ્ઠીમાં સુરેશ અને સંજય ઉપરાંત વિજય તળપદાનું નામ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. વિજય પાસેથી પોલીસે બાનાખત પણ કબજે લીધો હતો. વિજય તળપદાએ 4 ટકા લેખે રૂ.30 લાખ દિલીપ શેઠને આપ્યા હતાં. 21મી ફેબ્રુઆરી, 2020ના રોજ પૈસાની લેતી દેતી થઇ હતી.

સંજય અને સુરેશના નિવેદન લઇ મુક્ત કરાયાં
નડિયાદમાં દિલીપ શેઠના આપઘાત પ્રકરણમાં મુખ્ય સુત્રધાર એવા સુરેશ અને સંજય આગોતરા સાથે હાજર થયાં હતાં. તેમની પ્રાથમિક પૂછપરછમાં તેઓ આ મામલે કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું. જે આધારે તેમને મુક્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. > ડી. જે. સોસા, પોલીસ ઇન્સ્પેક્ટર, નડિયાદ ગ્રામ્ય.

અન્ય સમાચારો પણ છે...