બાળકને તરછોડવાની બનેલી ઘટના:શાહ દંપતી હાજર ન થતાં, નડિયાદ પોલીસ તપાસ માટે છોટાઉદેપુર જશે

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળકને તરછોડવાની બનેલી ઘટનામાં
  • પોલીસ ડાકોર અને વડતાલના બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા કેસની તપાસ હૉલ્ડ પર મૂકાઈ

નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ બહાર તરછોડાયેલા બાળકની ઘટનામાં છેલ્લા 15 દિવસથી નડિયાદ પશ્ચિમ પોલીસ બોડેલીના શાહ દંપતિની રાહ જોઈ રહી હતી. પરંતુ હજુ સુધી ઘટનાની મુખ્ય કડી ગણાતા મીતાબેન હસમુખભાઈ શાહ નડિયાદ પોલીસ સમક્ષ હાજર થયા નથી. તેમજ તેમના સંબધિત કોઈ વિગત પણ જાણવા મળી રહી નથી. જેથી નડિયાદ પોલીસે તપાસ માટે છોટાઉદેપુરના બોડેલીમાં જવાનો નિર્ણય લીધો છે.

આ અંગે વાત કરતાં તપાસ અધિકારી PSI ડી.બી દેસાઈએ જણાવ્યું છે કે, નડિયાદ પોલીસ છેલ્લા કેટલાંક દિવસથી ડાકોરની દેવદિવાળી અને વડતાલના બંદોબસ્તમાં હતી. જેથી આ કેસની તપાસ હૉલ્ડ પર રખાઈ હતી. જો કે, શાહ દંપતિનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલું જ હતા.અમે ટેલિફોનિક સંપર્ક થકી તેઓને નડિયાદ આવી જવાબ લખવાનું જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જેથી અમે બે દિવસ બાદ બોડેલી જઈને દંપતિનો જવાબ મેળવવાનો નિર્ણય લીધો છે. હવે તેમને મળીને જ આ ઘટનાની હકીકત શું તે જાણવા મળશે.

આમ, એક તરફ આ ઘટનાના દિવસો ગણાઈ રહ્યાં છે, ત્યારે પોલીસ શાહ દંપતિને જવાબની રાહે રહેતા કેસની તપાસ ઢીલી પડી રહી હોવાની વાતોએ જોર પકડ્યું છે. એવામાં શાહ દંપતિ હાજર ન થતાં કેમ પોલીસે કોઈ કડક પગલાં ન લીધા સહિતના અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. જેની સામે પોલીસ અન્ય કામોમાં વ્યસ્ત હોવાનું જણાવી રહી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે, ક્યારે નડિયાદ પોલીસ બાળકની માતાનો ભેદ ઉકેલી સમગ્ર હકીકત બહાર લાવશે?

અન્ય સમાચારો પણ છે...