સ્વિમિંગપુલને તાળુ લાગ્યું:નડિયાદમાં ચિલ્ડ્રન સ્વિમિંગપુલ માટે ખર્ચેલા 62 લાખ પાણીમાં

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ પાલિકા સંકુલમાં લાખોના ખર્ચે બનાવાયેલા ચિલ્ડ્રન સ્વિમિંગપુલની જાળવણીના અભાવે પાણી ખાલી કરવાની નોબત આવી છે. - Divya Bhaskar
નડિયાદ પાલિકા સંકુલમાં લાખોના ખર્ચે બનાવાયેલા ચિલ્ડ્રન સ્વિમિંગપુલની જાળવણીના અભાવે પાણી ખાલી કરવાની નોબત આવી છે.
  • જાળવણીનું ટેન્ડરીંગ ના થતાં હાલ ધુળ ખાઈ રહ્યો છે: થોડાં દિવસ અગાઉ પુલમાં પાણી ભર્યું તો રંગ બદલાઈ ગયો

નડિયાદ નગરપાલિકાના સંકુલમાં લાખોનો ખર્ચ કરીને બનાવેલો ચિલ્ડ્રન સ્વિમિંગ પુલ તંત્રની અણઆવડતને પગલે ધૂળ ખાઈ રહ્યો છે. ત્રણેક માસ પહેલા આ સ્વિમિંગપુલનું મુખ્યદંડકે લોકાર્પણ કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ સ્વિમિંગપુલને તાળુ લગાવી દેવામાં આવ્યુ છે. જેના કારણે એક પણ બાળક અહીંયા સ્વિમિંગ કરવા પામ્યુ નથી. તેમજ હજુ આ સ્વિમિંગપુલની જાળવણી માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા પણ ન કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

મળતી વિગતો મુજબ નડિયાદ નગરપાલિકાના મુખ્યપ્રવેશ દ્વારા પાસે પાલિકાના જ સંકુલમાં 62 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચિલ્ડ્રન સ્વિમિંગપુલ બનાવાયો છે. પાલિકાના પૂર્વ પ્રમુખ દિપીકાબેન પટેલના કાર્યકાળમાં ખાતમૂર્હ્ત કર્યા બાદ આ વર્ષે રંજનબેન વાઘેલાના કાર્યકાળમાં સ્વીમિંગપુલ મુખ્યદંડક પંકજભાઈ દેસાઈના હસ્તે ત્રણ મહિના અગાઉ ખુલ્લો મુકાયો હતો. સ્વિમિંગપુલના ઉદ્ઘાટન પ્રસંગે પંકજભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા નડિયાદના બાળકો નાનપણથી જ સ્વિમિંગ શીખી શકે તે માટે લાખો રૂપિયા ફાળવી આપી નડિયાદને નજરાણુ આપ્યુ છે.

જો કે, હાલ પરિસ્થિતિ જોતા લાગી રહ્યુ છે કે, પંકજભાઈ દેસાઈના અર્થાગ પ્રયત્નો અને રાજ્ય સરકારના સ્વપ્ન સમા આ સ્વિમિંગપુલની તકેદારી રાખવામાં નડિયાદ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. થોડા દિવસો અગાઉ જાળવણીના અભાવે ખર્ચો કરી સ્વિમિંગપુલમાં ભરેલા પાણીનો રંગ બદલાઈ ગયો હતો. હવે સ્વિમિંગપુલમાં પાણી જ રહ્યુ નથી.

ત્યારે લોકાર્પણ કર્યા બાદ બાળકો માટે ઉપયોગી બનવાને બદલે સ્વિમિંગપુલ લાખો રૂપિયા રોકીને બેઠો હોય તેવો ઘાટ સર્જાયો છે. મળતી વિગતો મુજબ હજુ સુધી જાળવણી માટેનું ટેન્ડરીંગ જ કરાયુ નથી. ત્યારે હવે ટેન્ડરીંગ ક્યારે કરાશે? અને રોકાણ કરેલા નાણાં નગરજનોને ઉપયોગી બનશે કે કેમ? તે જોવુ રહ્યુ.

હવે અમે ચાલુ કરવાના છે
આ અંગે ચીફ ઓફીસર રૂદ્રેશ ઉઘટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, સફાઈ માટે પાણી ખાલી કરાયુ છે. હવે અમે સ્વિમિંગપુલ ચાલુ કરવાના છે. ટેન્ડરીંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

ત્રણ મહિના સુધી ટેન્ડરીંગ કેમ ન થયુ?
લોકાર્પણ કરવાનો સીધો અર્થ થાય છે કે તે જ સમયથી લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મુકી દેવાય. ત્રણ-ત્રણ મહિના સુધી સ્વિમિંગપુલને તાળા મારવાની જરૂર કેમ પડી? લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ અંદર ભરાયેલા પાણીની જાળવણી કેમ ન થઈ? ત્રણ-ત્રણ મહિના સુધી આ સ્વિમિંગપુલની જાળવણી માટે ટેન્ડરીંગ કેમ ન થયુ? પદાધિકારીઓના અંગત સ્વાર્થ સાધવા માટે કામો અટકાવી રાખવામાં આવે છે. - ગોકુલ શાહ, કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...