સરકારી તંત્રથી લઈને સહકારી મંડળીઓમાં લોલમલોલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખેડા જિલ્લામાં છેલ્લા એક માસમાં ઉચાપતના ત્રણ જેટલા બનાવો સામે આવ્યા છે. આ ત્રણેય બનાવો સહકારી માળાખાઓમાં એટલે કે દૂધ મંડળીઓમાં થયા છે. આજે ઠાસરાના રતનજીના મુવાડામાં દૂધ મંડળીના માજી સેક્રેટરીએ લાખોની ઉચાપત આચરવાનો કૌભાંડ બહાર આવતાં ડાકોર પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
ઠાસરા તાલુકાના રતનજીના મુવાડા તાબે મીઠાપુરામાં રહેતા રમણ મંગળભાઈ પરમાર વર્ષ 2016થી 2019 દરમિયાન ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી પદે હતા. આ સમયગાળામાં તેમણે દૂધ મંડળીની આવકના રોજ મેળામાં ગોલમાલ આચરી હતી. રમણ પરમારે સિલકના કુલ રૂપિયા 3 લાખ 62 હજાર 772ની હંગામી ઉચાપત આચરી આ રકમ પોતાના અંગત કામે વાપરી દીધી હતી.
જે બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડીટ કરવામાં આવતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તાજેતરમાં રજીસ્ટ્રાર દ્વારા હુકમ કરવામાં આવતાં દૂધ મંડળીના ચેરમેન નરવતસિંહ પરમારે આ ઉચાપત આચરનાર માજી સેક્રેટરી રમણ પરમાર વિરુદ્ધ ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 408 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.