સોશ્યલ મીડિયાનો કડવો અનુભવ:માતરમાં વેપારીને બદનામ કરવાના ઈરાદાથી શખ્સે વેપારીના નામનું ફેક આઈડી બનાવી મહિલાઓ અને અન્ય વ્યક્તિઓને મેસેજો કર્યા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ ધારકે ત્રણ આઇડી બનાવી વેપારીના ફોટાનો ઉપયોગ કરી તેને બદનામ કરવા કાવતરું રચ્યું
  • સાયબર સેલમાં અરજી આપ્યા બાદ ભોગબનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લામાં સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે માતર પંથકમાં વેપારીને બદનામ કરવાના હેતુથી અજાણ્યા મોબાઈલ ધારકે વેપારીના ફોટાનો ઉપયોગ કરી તેના નામનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવ્યું હતું. જે બાદ અન્ય લોકોને મેસેજીસ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જે અંગે વેપારીએ સાયબર સેલમાં અરજી આપી હતી. જે બાદ સમગ્ર મામલે અજાણ્યા મોબાઈલ ધારક સામે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માતર પંથકમાં રહેતા 34 વર્ષિય વેપારીને સોશ્યલ મીડિયાનો ખુબજ કડવો અનુભવ થયો છે. જેમાં વર્ષ 2020ના જૂન, જુલાઈ માસમાં આ વેપારીને તેના સમાજના ઓળખીતા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમે તમારા ઈન્સ્ટાગ્રામના મેસેન્જર પર કેમ સમાજની મહિલાને I Love Youનો મેસેજ કર્યો છે. તેમ કહી ઠપકો આપ્યો હતો. જોકે, આ વેપારીએ જણાવ્યું હતું કે આવો મેસેજ મે કર્યો નથી. પણ આ વેપારીની વાત માનવા કોઇ તૈયાર નહોતું.

જે બાદ સમાજની મીટીંગ મળી હતી જ્યાં પણ વેપારીએ જણાવ્યું કે, આવો કોઈ મેસેજ કર્યો નથી. જે બાદ ઓનલાઇન ઈન્સ્ટાગ્રામ ચેક કરતાં વેપારીના નામનું આઇડી અને તેનો ફોટો જોવા મળ્યો હતો. કુલ ત્રણ આઇડી બનાવી વેપારીના ફોટાનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિએ તેને બદનામ કરવા કાવતરું રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે નિર્દોષ વેપારીએ નડિયાદ સાયબર સેલમાં આવી અરજી આપી હતી. આ અરજીના આધારે પોલીસે ત્રણેય આઈડીની માહિતી મંગાવી તપાસ કરતાં ત્રણેય ઈન્સ્ટાગ્રામ આઇડી એક મોબાઈલ ધારકે વેપારીને બદનામ કરવાના આશયથી તથા વેપારીના ફોટાનો ઉપયોગ કરી મહિલાઓ સાથે ચેટીંગ, કોમેન્ટ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી આ અંગે વેપારીએ ઉપરોક્ત અજાણ્યા મોબાઈલ ધારક સામે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...