કૌભાંડ:નડિયાદના નવાગામમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અને કર્મીઓએ 19 લાખ ચાઉં કર્યા, JCBથી તળાવ ખોદી મજૂરોના નામે પૈસા ઓળવ્યા

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • JCBથી તળાવ ખોદી મજૂરોના નામે પૈસા ઓળવી લેવામાં સસ્પેન્ડ કરાયેલા ટેકનીકલ આસિ.ની મહત્વની ભૂમિકા

વસોના નવાગામમાં ગ્રામજનોની પાસે નરેગા યોજના હેઠળ સરકારી ચોપડે મજૂરી કરાવ્યાનું દર્શાવી લાખો રૂપિયાનો વહીવટ કરી નાખ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. બીજીતરફ કૌભાંડીઓ દ્વારા ઘરના જ જેસીબી દ્વારા ખાડા ખોદી નાખવામાં આવ્યા હોવાની પણ વિગતો મળી છે. સમગ્ર કૌભાંડમાં નવાગામના સરપંચ સુરેશભાઈ મહીડા, ડે. સરપંચ મફતભાઈ ભરવાડ, તલાટી, અલિન્દ્રા નરેગા કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ટેકનિકલ આસિસ્ટન્ટ સાગર કાછીયાનું નામ ઉછળી રહ્યુ છે. તમામ લોકોએ ભેગા મળી વર્ષ 2020-21 દરમિયાન ગામમાં નરેગાના વિવિધ કામોમાં 1072 લોકો પાસે મજૂરી કામ કરાવ્યુ હોવાનું દર્શાવ્યુ છે.

જેમને મજૂરી પેટે 19.16 લાખ રૂપિયાનું ચુકવણુ કરાયુ છે. જો કે, તમામ પરીવારોના જોબકાર્ડ ખોટી રીતે ઈસ્યુ કરી કૌભાંડીઓ દ્વારા પોતાની પાસે જ રાખવામાં આવ્યા હોય અને ત્યારબાદ જોબકાર્ડના આધારે ખોટી રીતે હાજરી બતાવી અને તેમના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કર્યા હતા. તમામ જોબકાર્ડ ધારકોના બેંકની વિગતો અને એ.ટી.એમ. સહિતના દસ્તાવેજો પોતાની પાસે રાખી તેના થકી નાણાં ઉપાડી લઈ ખિસ્સા ભર્યા હોવાની વિગતો મળી છે.

બીજીતરફ ગામના ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત હોદ્દા ધરાવતા લોકોએ પણ મજૂરીકામ કર્યુ હોવાનું દર્શાવ્યુ છે. જેમાં ખુદ ડે. સરપંચ મફતભાઈ ભરવાડના પરીવારનો પણ સમાવેશ કરી દેવાયો છે. આ સમગ્ર મામલે વસો તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈ ગઢવી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ બાબતે કોઈ રજૂઆત કે ફરીયાદ મળી નથી. આવુ કંઈ પણ ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

રૂ. 200 આપી સહી કરાવી
આ અંગે ગામમાં રહેતા રમેશભાઈ સોલંકી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, હું તળાવ ખોદવા ગયો નથી. કશુ જાણતો નથી. સહી કરવા માટે 200 રૂપિયા આપતા હતા. એટલે સહી કરી હતી. બીજીતરફ રમેશભાઈ સોલંકી અને તેમના પત્નિના નામે 15 હજાર કરતા વધુ રકમ જમા કર્યાનું સામે આવ્યુ છે.

ડે.સરપંચના પરીવારજનોના ખાતામાં જ 38 હજારથી વધુ જમા
નરેગા યોજના હેઠળ ડેપ્યુટી સરપંચ મફતભાઈ ભરવાડના પરીવારજનોના ખાતામાં પૈસા જમા થયા છે. જેમાં કુલ 4 સભ્યોના જોબકાર્ડ થકી તેમના ખાતામાં વર્ષ 2020-21માં 38 હજાર કરતા વધુ રૂપિયા જમા થયા છે. ગંગાબેન મફતભાઈ ભરવાડના જોબકાર્ડમાં 10080 રૂપિયા, મનાબેન ગોકળભાઈ ભરવાડના જોબકાર્ડમાં 11872 રૂપિયા, સાબરુભાઈ ગોકળભાઈ ભરવાડના જોબકાર્ડમાં 10080 રૂપિયા, માલજીભાઈ ગોકળભાઈ ભરવાડના જોબકાર્ડમાં 6944 રૂપિયા જમા થયેલા દર્શાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...