ફરિયાદ:નારાયણ પાર્કમાં ગટરના પાણી ઘરમાં ઘુસી જતાં મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગટરનું પાણી રહીશોના ઘરમાં ઘુસી જતા ઉગ્ર રજૂઆત કરી હતી. - Divya Bhaskar
ગટરનું પાણી રહીશોના ઘરમાં ઘુસી જતા ઉગ્ર રજૂઆત કરી હતી.
  • મંજીપુરા રોડ પર આવેલી સોસાયટીમાં ગટર ઉભરાતા મહિલાઓએ અનેકવાર ટેલિફોનીક ફરિયાદ લખાવી છે

નડિયાદ વોર્ડ નં. 3ના મંજીપુરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ગટર ઉભરાતા તેના દૂષિત પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. આ સંદર્ભે સોસાયટીની મહિલાઓએ નગરપાલિકા પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી. વળી, અધિકારીઓ વ્યસ્ત હોવાના કારણે કલાકો સુધી પાલિકામાં રાહ જોઈને બેઠેલી મહિલાઓએ ચાર કલાક બાદ મુખ્ય અધિકારીને પોતાની આપવીતી સંભળાવી હતી.

મંજીપુરા રોડ પર આવેલી નારાયણ પાર્ક સોસાયટીની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિક કાઉન્સિલરો દ્વારા કોઈ તકેદારી અને ધ્યાન પોતાના વિસ્તારમાં ન અપાતુ હોવાનો આક્ષેપ પણ મહિલાઓએ કર્યો હતો. બપોરે 12 વાગે પાલિકામાં આવી પહોંચેલી મહિલાઓએ ડ્રેનેજ વિભાગમાં પોતાની રજૂઆત કર્યા બાદ મુખ્ય ઈજનેરને મળવા માટે સમય માંગ્યો હતો. ત્યારબાદ મહિલાઓને થોડીવાર બેસવાનું કહ્યા બાદ છેક 3 વાગ્યા સુધી કોઈ જવાબદાર અધિકારીઓએ મહિલાઓની વાત સાંભળી ન હતી.

ઉપરાંત અધિકારીઓ મિટિંગમાં વ્યસ્ત હોવાનું ત્યાં હાજર પટ્ટાવાળા દ્વારા રટણ કરાયુ હતુ. અંતે ત્રણેક વાગ્યાની આસપાસ મુખ્ય ઈજનેરે પ્રમુખની ચેમ્બરમાં મહિલાઓની રજૂઆત સાંભળી હતી. મહિલાઓએ પોતાની સોસાયટીમાં ગટર ઉભરાતા તેના દૂષિત પાણી પોતાના ઘરમાં ઘુસી ગયા હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે અનેકવાર ટેલિફોનીક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હોવાનું જણાવ્યુ હતુ. પ્રમુખની ચેમ્બર બહાર જ રજૂઆત થતી હોવા છતાં જવાબદાર હોદ્દેદારોએ રજૂઆત સાંભળવા આવવાની તસ્દી લીધી ન હતી.

રોગચાળા વચ્ચે ગટરના પાણી ઘરમાં આવે તે કેટલું વાજબી?
અનેકવાર નગરપાલિકાના ટેલિફોન પર ફરીયાદો લખાવી છે. તેમ છતાં કોઈ પણ ધ્યાન અપાયુ નથી. રૂબરૂ રજૂઆત કરવા આવ્યા ત્યારે અધિકારીઓ મળતા નથી. રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે ગટરના પાણી ઘરમાં આવે તે કેટલુ વાજબી છે. નગરપાલિકા દ્વારા તાકીદે ગટરોની સફાઈ કરાવવી જોઈએ. > કંકુબેન સોલંકી, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...