અરજીના નિકાલ બાબતે માથાકૂટ:નડિયાદના મંજીપુરામાં શખ્સે મહિલા સરપંચના પતિ સાથે તકરાર કરી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સરપંચના પતિએ શખ્સ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

નડિયાદ મંજીપુરામાં એક શખ્સે મહિલા સરપંચના પતિ સાથે અરજીના નિકાલ બાબતે માથાકૂટ કરી હતી. તેમજ શખ્સે જ્ઞાતિ વિરૂદ્ધ અપમાનજનક શબ્દો બોલી મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે આ બાબતે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે ચંદ્રલોક સોસાયટીમાં રહેતા રમણભાઇ ખુશાલભાઈ સોનારા પોતે ખેડા જિલ્લા પોલીસ ખાતામાં નોકરી કરી હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. તેમના પત્ની મંજીપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. મંજીપુરાના રંગ ઉપવન પાર્ટી પ્લોટની સામે પ્રેમ પ્રકાશ સોસાયટીમાં રહેતો બલરામ ચેનમલભાઈ ગુરુનાણી અવારનવાર ગ્રામ પંચાયતમાં આવી મહિલા સરપંચને કહે છે કે અરજીઓનો નિકાલ કેમ કરતા નથી. ઉપરાંત રમણભાઈ તથા તેમની પત્ની અવાર-નવાર રસ્તામાંથી પસાર થાય ત્યારે આ બાબતે પૂછપરછ કરી જાહેરમાં બંનેનું અપમાન કરતા હતા.

ગત રોજ સાડા દસ વાગ્યાના સુમારે રમણભાઈ સોનારા નજીકના વિસ્તારમાં દૂધ લેવા ગયા હતા અને દૂધ લઈ પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. ત્યારે મંજીપુરા રોડ પર રંગ ઉપવન પાર્ટી પ્લોટ આગળ ઉભેલા બલરામ ચેનમલભાઈ ગુરુનાણીએ રમણભાઈને અટકાવ્યા અને ઉપરોક્ત અરજી કેમ નિકાલ કરતા નથી તેમ કહી રમણભાઈ સાથે માથાકૂટ કરી હતી. જો કે રમણભાઈ વળતા જવાબમાં જણાવ્યું હતું કે તમે ત્યાં જાવ અને રજૂઆત કરો જેથી આ બાબતનો નિકાલ આવી જશે. પરંતુ આક્રોશમાં આવેલા બલરામભાઈએ રમણભાઈને જ્ઞાતિ વિરૂદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. આટલેથી ન અટકતાં તેમને અને તેમની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે રમણભાઈ સોનારાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત બલરામ ગુરુનાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...