વાસણોમાં ભાવ વધારો:નડિયાદની કંસારા બજારમાં લ્હાણી માટેની વસ્તુનો વેપાર 70-80 ટકા તૂટ્યો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા મોટા ગ્રાઉન્ડમાં ગરબા પર પ્રતિબંધ લગાવતા આ વર્ષે શેરી ગરબામાં રમઝટ જામશે તે નક્કી છે. જ્યારે શેરી ગરબાની વાત આવે ત્યારે લ્હાણી પણ યાદ આવે તે સ્વાભાવિક છે. શેરી ગરબાના આયોજનને પગલે નડિયાદના કંસારા બજાર માં લ્હાણીની ચીજવસ્તુઓના વેચાણમાં ખુબજ ચોકાવનારી બાબત જાણવા મળી છે. આ વર્ષે બજારમાં 80 ટકા મંદી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેની પાછળ મોંઘવારી અને બદલાતા ટ્રેન્ડને વેપારીઓ જવાબદાર ગણાવી રહ્યાં છે.

નડિયાદ શહેરનું કંસારા બજાર તમામ પ્રકારની ઘરવખરીની સામગ્રી માટે જાણીતી જગ્યા છે. કોરોના કાળ અગાઉ નવરાત્રી આવે તે પહેલાં બજારમાં લ્હાણીની ચીજવસ્તુની ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામતી હતી. પરંતુ કોરોનાના બે વર્ષ બાદ અહીંના વેપારીઓ ગ્રાહકોની વાટ જોતા નજરે પડ્યા. એક તરફ કોરોના અને બીજી તરફ મોંઘવારીને કારણે બજારમાં સ્થિતિ કઈક એવી છે કે વેપારીઓ મંદીની બુમરાણ મચાવી રહ્યા છે. નવરાત્રી ને 48 કલાક અગાઉ વેપારીઓ પાસે ઓર્ડર ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

લ્હાણીનું સ્થાન લીધું નાસ્તા પાર્ટીએ
સમય સાથે ટ્રેન્ડમાં પણ પરીવર્તન જોવા મળે છે. અગાઉ જે લોકો રૂ.2 હજારની લ્હાણી વહેંચતા હતા, તે લોકો સોસાયટીમાં લ્હાણી ની વાત કરે ત્યારે આયોજન લ્હાણી ને બદલે નાસ્તા પાર્ટીનું વિચારતા હોય છે. જેના કારણે લોકો હવે ટ્રેન્ડ બદલાયો છે. ખેલૈયાઓ હવે સોસાયટીમાં ભેગા મળીને નાસ્તા પાર્ટી કરતા થઈ ગયા છે. જેના કારણે લ્હાણી ની ચીજવસ્તુઓના વેચાણમાં ઘટાડો થયો છે. > કલ્પેશ કંસારા, વેપારી

વસ્તુ બાબતે ઇન્કવાયરી આવે છે, ઓર્ડર આવતા નથી
નવરાત્રી નજીક છે, પરંતુ ગ્રાહકોની માત્ર ઈન્કવાયરી આવી રહી છે. લોકોને રૂ.30 ની ચીજવસ્તુ રૂ.15માં જોઈએ છે. એટલે એકવાર ઇન્કવાયરી કરી જાય છે. અને પછી વસ્તુ લેવા આવતા નથી. બે વર્ષ અગાઉ એટલી મોંઘવારી ન હતી, જેથી લોકો વસ્તુ ખરીદતા હતા, પરંતુ કોરોના કાળ દરમિયાન મોંઘવારી વધી છે, જેની અસર ઘરાકી પર પડી છે. > અક્ષયભાઇ શાહ, વેપારી, કંસારા બજાર

બે વર્ષ બાદ ભાવ વધારાને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી
કોરોનાકાળ પહેલા લોકો લ્હાણી માટે ચીજવસ્તુઓ ખરીદવા આવતા હતા, તે ભાવ હજુ પણ લોકોના દિમાગમાં છે. પરંતુ બે વર્ષ દરમિયાન આગળથી આવતો કાચો માલ મોંઘો થઈ ગયો છે. જેની અસર તમામ ચીજવસ્તુઓના ભાવ પર પડી છે. જ્યારે ગ્રાહક ખરીદી માટે આવે ત્યારે ભાવ જોઈને જ લોકો પરત ફરી રહ્યા છે. > જિજ્ઞેશ શાહ, વેપારી

અન્ય સમાચારો પણ છે...