નડિયાદમાં એક અજુગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદમાં પુત્રવધૂએ પોતાની સાસરીમાંથી રૂ. 7.20 લાખની મત્તાના મુદ્દામાલ ઘરમાંથી લઈ જઈ વિશ્વાસઘાત કરતા સાસુએ પોતાની પુત્રવધૂ સામે નડિયાદ ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરીયાની જાણ બહાર પુત્રવધુના કારસ્તાનથી સાસુ પણ ચોંકી ઉઠ્યા હતા.
નડિયાદ શહેરમાં સંત અન્ના હાઈસ્કૂલ સામે સાંઇબાબા નગરમાં રહેતા 58 વર્ષીય લક્ષ્મીબેન ગોવિંદભાઈ વાઘેલાના બે દીકરા પૈકી નાના દીકરા ચિરાગના લગ્ન સોજીત્રા તાલુકાના કાસોર ગામે રહેતા નયનાબેન ચીમનભાઈ તળપદા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. વર્ષ 2007માં ચિરાગભાઈ તથા નયનાબેનના છુટાછેડા થયેલા હતાં. ચિરાગભાઈ પોતાના ત્રણેય સંતાનો સાથે પોતાની માતા લક્ષ્મીબેન સાથે નડિયાદ મુકામે રહેતા હતા.
આજથી આશરે 6 વર્ષ પહેલા ચિરાગભાઈને સંતાનો નાનાં હોવાથી સમાજના રીતરિવાજ મુજબ નયનાબેનને છૂટાછેડા લીધેલા હોવા છતાં પણ તેમને ઘરે રહેવા માટે બોલાવ્યા હતા. ત્યારથી નયનાબેન પોતાના સાસરે રહે છે. વર્ષ 2017માં ચિરાગભાઈ પોતાના ત્રણેય સંતાનોને લઈને અમેરિકા રહેવા જતા રહ્યા હતા. આ બાદ પણ નયનાબેન ઉપરોક્ત લક્ષ્મીબેન સાથે જ રહેતા હતા. નયનાબેનને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું જાણવા મળતાં લક્ષ્મીબેને તેને ઘરમાંથી કાઢી મુક્યાં હતાં.
આ બાદ થોડા સમય માટે લક્ષ્મીબેને પોતાનું ઉપરોક્ત મકાન પોતાની નણંદ ધર્મિષ્ઠાબેન તથા નણદોઈ રસિકભાઈ વાઘેલાને રહેવા માટે આપ્યું હતું અને લક્ષ્મીબેન પોતે પોતાની સાસરી સુણાવ ખાતે રહેવા જતા રહ્યા હતા. વર્ષ 2021ના નવેમ્બર માસમાં નયનાબેન લક્ષ્મીબેનના ઘરે ફરીથી રહેવા માટે આવી ગયા હતા. તેમજ ધર્મિષ્ઠાબેન અને રસિકભાઈના કપડા ફાડીને કેરોસીન છાંટી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ઝઘડો કરતા હતા. જેના કારણે ધર્મિષ્ઠાબેન અને રસિકભાઇએ ઉપરોક્ત લક્ષ્મીબેનનું ઘર છોડી નડિયાદ ચકલાસી ભાગોળ ખાતે પોતાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા.
ગત 22 માર્ચ 2022ના રોજ લક્ષ્મીબેન પોતાના નડિયાદ મુકામે આવ્યા હતા. તેમજ ઘરે પહોંચતા તેમને ઘરમાંથી કેટલીક વસ્તુઓ લાપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ટીવી, એસી, ઘરઘંટી, પાણીનું આરઓ મશીન, ગેસ ગીઝર, સબમર્સીબલ મોટર, ચાર ગેસની બોટલો તેમજ ઘરમાં ફીટ કરેલી લોખંડની જાળી આ ઉપરાંત ઘરમાં મુકેલ સોના-ચાદીના ઘરેણાં તથા તેણીના નામનો પાસપોર્ટ મળી કુલ રૂપિયા 7 લાખ 20 હજારના મુદ્દામાલની કોઈપણ જાતની પરવાનગી સિવાય નયનાબેને લઈ જઈ વિશ્વાસઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી હતી.
જેથી લક્ષ્મીબેનએ પોતાની પુત્રવધુ નયનાબેનને પૂછતા તેમણે આ અંગે કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપ્યો નહોતો. તેમજ તમામ વસ્તુઓ પાછી આપવા સમજાવતા હોવા છતાં પણ નયનાબેન આપતા ન હોવાથી લક્ષ્મીબેને આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં પોતાની પુત્રવધુ નયનાબેન સામે ફરિયાદ નોંધાવી છે. નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે આઈપીસી 406, 506 (1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.