ધરણાં:મોંઘવારી મુદ્દે નડિયાદમાં કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

નડિયાદ4 મહિનો પહેલા
  • ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ

દેશમાં વધતી જતી મોંઘવારી સામે નડિયાદ શહેર (જિ.) કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ધરણાં સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરના હાર્દસમા સરદારની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. બે કલાક યોજાયેલા આ ધરણાંના કાર્યક્રમમા કોંગ્રેસી કાર્યકરો જોડાયા છે.

પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. તો બીજી તરફ ગેસના બોટલના ભાવોમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. આ સાથે સીએનજી અને પીએનજીના પણ ભાવ વધ્યો છે. જેના કારણે મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગને સોસવાનો વારો આવ્યો છે. મોંઘવારીના કારણે માધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. પરંતુ કેન્દ્ર સરકાર મોંઘવારી ઉપર અંકુશ મુકવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે આજરોજ નડિયાદ શહેર (જિ.) કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં તથા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા ભારે સુત્રોચ્ચાર બોલાવવામાં આવ્યા હતા. આ ધરણાંના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા.

સરકારે વધારેલા ભાવ વધારો પાછો ખેંચવા તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગગલભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા કેટલાય સમયથી રાજ્યની તથા દેશમાં મોંઘવારી વધી રહી છે ખાસ કરીને રાજ્યમાં જ્યારે ચીમનભાઈની સરકાર હતી ત્યારે માત્ર 4 રૂપિયા તેલના ભાવ વધારાથી સરકાર તૂટી ગઈ હતી. ત્યારે આવનાર દિવસોમાં પણ આવી સ્થિતિ આવી શકે છે. હાલ પ્રજા ડરી ગઈ છે. પેટ્રોલ ડીઝલ તથા રાંધણ ગેસ તેમજ ખાદ્ય તેલના ભાવ આસમાને છે ત્યારે સરકાર દ્વારા કોઈ રણનીતિ નક્કી કરી ભાવ વધારે ને કંટ્રોલ કરી શકે તેવી માંગ કરી છે. ઉપરાંત તાજેતરમાં વધારેલા ભાવ તાત્કાલિક ધોરણે પાછા ખેંચે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...