આતુરતાનો અંત:નડિયાદમાં બંધ થયેલી RMS પુનઃ શરૂ કરવામા આવી, જિલ્લાની 41 પોસ્ટ ઓફિસ અને 194 બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ટપાલ પહોંચાડવાની કામગીરી શરૂ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે રેલવે મેલ સર્વિસ(RMS)ની ઓફિસનો પ્રારંભ
  • અહીંયા સ્પીડ પોસ્ટ ટપાલનું બુકિંગ આખા દિવસ દરમિયાન તથા રજીસ્ટર ટપાલનું બુકિંગ પણ થશે

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં અંગ્રેજોના શાસનકાળથી ચાલી આવેલી RMS(રેલવે મેલ સર્વિસ)ને એક વર્ષ અગાઉ બંધ કરી દેવાઈ હતી. અહીંયાની RMSને આણંદ સાથે મર્જ કરી દેવાઈ હતી. ત્યારે આજે આ સેવા નડિયાદ અને જીલ્લા વાસીઓના આંગણે પુનઃ ધબકતી કરવામાં આવી છે.

ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નડિયાદ રેલવે મેલ સર્વિસ ઓફીસનો પુન: શુભારંભ કરાયો છે. છેલ્લા વર્ષથી બંધ થયેલી આ સેવાનો લાભ આજે જીલ્લા વાસીઓને ફરીથી મળતો રહેશે. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્ર, વડોદરાના પોસ્ટ માસ્ટર જનરલ સુચિતાબેન જોષીએ ખાસ હાજરી આપી હતી. નડિયાદ આર.એમ.એસ પોસ્ટ વિભાગની લેવલ-2(L-2) ઓફીસ તરીકે કાર્યરત થઇ ચૂકી છે. જેમાં રજીસ્ટર તેમજ સાદી ટપાલને છુટી પાડીને યોગ્ય જગ્યાએ પહોચાડવાનું કામ કરવામાં આવશે. આ ટપાલોમાં ખેડા વિભાગની 41 પોસ્ટ ઓફીસ તથા 194 બ્રાંચ પોસ્ટ ઓફીસની ટપાલોનું સમાવેશ થાય છે. આ ઉપરાંત, નડિયાદ આર.એમ.એસની ઓફીસમાં સ્પીડ પોસ્ટ ટપાલનું બુકિંગ આખા દિવસ દરમ્યાન તથા રજીસ્ટર ટપાલનું બુકિંગ 18 કલાકથી 20 કલાક દરમ્યાન, એટલે કે પોસ્ટ ઓફીસ બંધ થયાના સમય બાદ પણ કરવામાં આવશે.

કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના શુભ હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખોલેલ દીકરીઓના એસ.એસ.એ ખાતાની પાસબુક જે તે દીકરીઓને વિતરણ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, પોસ્ટ ઓફિસ આજે પુન ધબકતી થતાં આ વિસ્તારના નાગરિકોની સંચાર સેવાઓમાં વધુ ઝડપી લાભ મળતો થશે. પોસ્ટ ઓફિસો બેંક સેવાઓ પણ ગ્રામીણ સ્તરે પુરી પાડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની દીકરીઓનું ભવિષ્ય ઉજ્વળ બને અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે અર્થે સુકન્યા સમૃદ્ધિ યોજના જાહેર કરવામાં આવેલ હતી. આ સ્કીમમાં દસ વર્ષથી ઓછી ઉમરની દીકરીનું એસ.એસ.એ ખાતું ફક્ત રૂપિયા 250/- થી ખોલી શકાય છે. આ યોજના અંતર્ગત જે ગામમાં 10 વર્ષથી ઓછી ઉમરની તમામ દીકરીઓના એસ.એસ.એ ખાતા ખુલી ગયેલ હોય તેવા ગામને સંપૂર્ણ સુકન્યા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે અને આ કામગીરી કરનાર કર્મીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પોસ્ટ ખાતામાં 10 વર્ષથી વધુ સમયથી પડી રહેલ ગ્રાહકોની રકમ કે જેનો દાવો આજ દિન સુધી કરેલ નથી તેવા ખાતેદાર કે તેમના વારસદારોનો પોસ્ટ વિભાગ દ્વારા સંપર્ક કરી તેમને તેમની જમા રાશી અપાવાની કામગીરી સિનિયર સિટીઝન વેલ્ફેર ફંડ રૂલ્સ 2016 અંતર્ગત કરવામાં આવનાર છે.

વડોદરાના પોસ્ટમાસ્ટર જનરલ સુચિતાબેન જોષીએ નડિયાદ આર.એમ.એસની કામગીરી અને સ્ટાફની માહિતી આપી સૌનું સ્વાગત કર્યું હતુ. આ કાર્યક્રમની આભારવિધિ અનસુયા પ્રસાદે કરી હતી.આ પ્રસંગે નડિયાદ મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, મનસુખ ધાનાણી, પોસ્ટ ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ, સરંપચો તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે મીડિયાને જણાવતાં કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેન જેનું સ્ટોપેજ નડિયાદને રદ કરવામાં આવ્યું છે. જે માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં નડિયાદને સ્ટોપેજ મળશે તેવા હકારાત્મક વલણ હોવાનું જણાવ્યું છે. જેથી આવનાર દિવસોમાં નડિયાદને વધુ એક સુવિધા મળનાર છે.

અન્ય સમાચારો પણ છે...