તંત્ર એક્શન મૉડમાં:નડિયાદ શહેરમાં 65માંથી 35 શાળાઓ જ્યારે 60માંથી 36 હોસ્પિટલો પાસે BU પરમીશન નથી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રી-સર્વે કરી BU પરમીશન ન ધરાવતા એકમોને ફરી નોટીસ ઈસ્યુ કરવામાં આવશે

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો અને શાળાઓના સંચાલકોને BU પરમીશન કઢાવવાની ફુરસત નથી. માહિતી મુજબ શહેરની 65 પૈકી 35 જેટલી શાળાઓ પાસે BU પરમીશન મેળવી નથી. જ્યારે હોસ્પિટલોની વાત કરીએ તો 60 પૈકી 36 હોસ્પિટલો પાસે BU પરવાનો નથી. નગરપાલિકા પ્રશાસન દ્વારા જાન્યુઆરી, 2021માં જાહેરખબર આપી તમામ એકમોને BU મંજૂરી અને ફાયર NOC મેળવી લેવા ટકોર કરી હતી. ત્યારબાદ શાળાની વાત કરીએ તો માત્ર 2 શાળાઓએ છેલ્લા 9માસમાં બી.યુ. પરમીશન માટે અરજી કરી છે.

શહેરમાં 65થી વધુ શાળાઓ પૈકી 14 સરકારી સ્કૂલો છે. જ્યાં માર્જીન મુજબ જ બાંધકામ કરાયેલુ છે. જ્યારે બાકીની 51 શાળાઓ પૈકી 35 પાસે BU મંજૂરી નથી. હોસ્પિટલોની વાત કરીએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલ સરકારી છે અને તેનું પણ માર્જીન મુજબ બાંધકામ થયેલુ છે. જ્યારે 60 જેટલી અન્ય ખાનગી હોસ્પિટલો પૈકી 36 પાસે બી.યુ. પરમીશન નથી અને 9 માસમાં માત્ર 1 હોસ્પિટલે બી. યુ. પરમીશન માટે મંજૂરી માંગી છે. નડિયાદ નગરપાલિકા દ્વારા એકાદ વર્ષ પહેલા આ હોસ્પિટલો અને શાળાના સંચાલકોને નોટીસ ફટકારી બી.યુ. પરમીશન લેવા માટે જણાવ્યુ હતુ.

ત્યારે ફરી હવે ઉચ્ચ કક્ષાથી નગરપાલિકાને રી-સર્વે કરવા આદેશ કરાયા છે. જેમાં ચીફ ઓફીસરની હાજરીમાં જ બી.યુ. પરમીશન ન ધરાવતા એકમોની તપાસ કરવા સૂચન કરાયુ છે. જ્યાં સ્થળ પર માર્જીન મુજબનું બાંધકામ જણાય તો બી.યુ. મંજૂરી આપી દેવા જણાવ્યુ છે. જ્યારે માર્જીન કરતા વધુ બાહ્ય બાંધકામ જણાય તેવા એકમોને ફરીથી નોટીસ ઈસ્યુ કરી કાયદેસરના પગલા લેવાના આદેશ કર્યા છે.

બીયુ પરમીશનની રી-સર્વેની કામગીરીમાં ચીફ ઓફીસરને પણ હાજર રહેવુ પડે તેવી વકી
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ બી.યુ. પરમીશન અને ફાયર NOC અંગે છેલ્લા એકાદ વર્ષ પહેલા સર્વે કરી નોટીસો અપાઈ હતી. ત્યારે હવે નગરપાલિકાના ઉચ્ચ પ્રશાસન દ્વારા આજે ટાઉનપ્લાનિંગના કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટીંગ યોજાઈ હતી અને રી-સર્વે કરવાના આદેશ કર્યા છે. વળી, આ રી-સર્વેની પ્રક્રિયામાં ચીફ ઓફીસરને પણ ઉપસ્થિત રહી જરૂરી કાર્યવાહી કરવાની રહે તેવી શક્યતાઓ છે.

નડિયાદ શહેરની મોટાભાગની હોસ્પિટલોએ ફાયર એનઓસી મેળવી લીધુ છે
શહેરમાં મોટાભાગની હોસ્પિટલોએ ફાયર NOC મેળવી લીધુ છે. જે થોડી બાકી વધેલી હોસ્પિટલો છે તેમને નોટીસ ઈસ્યુ કરી દેવાઈ છે. ઉપરાંત અગાઉ જાહેરાત આપીને શાળાઓ, હોસ્પિટલો અને અન્ય એકમોને ફાયર NOC મેળવી લેવા અપીલ કરાઈ હતી. હવે આગામી દિવસમાં ઉચ્ચ પ્રશાસન દ્વારા જે રીતે સૂચન કરાશે તે મુજબ કાર્યવાહી કરાશે. > દિક્ષિતભાઈ પટેલ, ફાયર અધિકારી

અન્ય સમાચારો પણ છે...