ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં વરસાદી પાણીના નિકાલના કાંસો જોખમી બન્યા છે. આવા કાંસો ઠેકઠેકાણે ક્યાંક તૂટેલી હાલતમાં તો ક્યાંક જર્જરિત અવસ્થામાં છે. આટલું પૂરતું નહીં પરંતુ આવા કાંસોમાં સૂકા કચરાનો જમાવડો થયો છે. ચોમાસાની ઋતુ પહેલા તંત્ર દ્વારા આવા કાસનું યુદ્ધના ધોરણે સફાઇ કામ કરવામાં આવે સાથે સાથે તૂટેલા અને જર્જરિત બનેલા કાંસનુ સમારકામ કરવામાં આવે તેવી માંગ નગરજનોએ કરી છે.
નડિયાદમા વરસાદી પણીના નિકાલ માટેના કાંસના સ્લેબ ઠેકઠેકાણે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. મીલ રોડ, સરદાર ભવન પાસે સ્થિતિ એટલી ભયાજનક બની છે કે અહીંયા કોઈ આકસ્મિક રીતે પડી જાય તો ગંભીર રીતે ઘાયલ થાય એમ છે. જોકે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કોઈ મોટી હોનારત સર્જાશે પછી તંત્ર જાગશે તેમ નાગરિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે.
આવા તૂટેલા તથા જર્જરિત બનેલા કાંસમાં ઠેકઠેકાણે ઘન કચરો એટલે કે સૂકો કચરો અંદર ગરકાવ થઈ ગયો છે. જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધ ઊભો થશે તેવી ભીતિ ઉભી થઇ છે. આવનાર દિવસોમાં ચોમાસાની સિઝન શરૂ થનાર છે.ત્યારે તંત્ર પ્રિ-મોન્સૂન પ્લાન મુજબ તૈયારી કરશે જેમાં આવા ખુલ્લા અને જોખમી તથા જર્જરિત બનેલા કાંસોનુ યોગ્ય સમારકામ થાય તેમજ સ્વચ્છ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
નોંધનીય છે કે ચોમાસાની સિઝનમાં નડિયાદ શહેરમાં વર્ષો અગાઉ સંતરામ સર્કલ પાસેના ખુલ્લા કાંસમા એક યુવતી ભોગ બનતા તેણીનો જીવ ગયો હતો. આવી ઘટનાઓનુ પુનરાવર્તન ન થાય તે માટે પાલિકા તંત્ર વિશેષ કાળજી રાખી ચોમાસા પહેલા આવા જર્જરીત અને ખુલ્લા કાંસ પર આરસીસી સ્લેબ ભરવામાં આવે તેમ નગરજનો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.