દોડધામ:નડિયાદમાં પ્રમુખની ચેતવણી બાદ ગટરના 227, પાણીના 125 જેટલા કનેક્શન વધ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે કનેક્શનો ધરાવનારાઓની કાર્યવાહીના ડરથી કનેક્શનો કાયદેસર કરવા દોડધામ

નડિયાદમાં ગેરકાયદે કનેક્શનો ધરાવતા એકમના માલિકોએ કાર્યવાહીના ડરથી પોતાના કનેક્શનો કાયદેસર કરવા માટે અરજીઓ કરવાનું શરૂ કરી દીધુ છે. પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાએ નગરજનોને કનેક્શનો કાયદેસર કરવા વિનંતી કરાઈ હતી. દોઢેક માસ અગાઉ આ અંગેની જાહેરાત કરી કનેક્શન કાયદેસર કરવા 1 માસનો સમય આપ્યો હતો. ત્યારબાદ વિતેલા એક મહિનામાં ગટરના કુલ 227 જ્યારે 125 જેટલી અરજીઓ પાણીના કનેક્શનો કાયદેસર કરવા આવી છે. પાલિકાની ઝુંબેશના કારણે ખૂબ મોટી હકારાત્મક અસર દેખાઈ છે. એક મહિનાનો સમય આપ્યા બાદ જે એકમોના માલિકો કનેક્શન કાયદેસર ન કરે તેનો સર્વે કરી કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.

નગરપાલિકામાં ટેક્ષની આવકમાં અસર પડતી હોવાના કારણે આ નિર્ણય કરાયો હતો. ત્યારે નિર્ણયના પગલે કુલ સાડા ત્રણસો જેટલા ગટર અને પાણીના કનેક્શન કાયદેસર થયા છે. કનેક્શનો કાયદેસર રીતે લેવા માટે પણ જરૂરી પ્રક્રિયા કરવાની હોય છે. ત્યારે તેમાં પણ ફી પેટે આવક થઈ છે. નગરપાલિકા દ્વારા હવે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે, એજન્સીના માણસો દ્વારા શહેરમાં દરેક વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ તમામ એકમો પર તપાસ હાથ ધરી કનેક્શન કાયદેસર છે કે કેમ તે અંગે તપાસ કરાશે. ત્યારબાદ જ્યાં પણ કનેક્શન ગેરકાયદે જણાશે, ત્યાં નોટીસ ફટકારી કાર્યવાહી કરાશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યુ છે.

કનેક્શનો કાયદેસર થતા પાલિકાને 6 લાખની આવક વધી
નડિયાદ પાલિકા વિસ્તારમાં મહિના દરમિયાન સાડા ત્રણસો જેટલા ગટર અને પાણી કનેક્શનો કાયદેસર થતા પાલિકાની આવકમાં 6 લાખ રૂપિયા કરતા વધુ આવક થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ પાણીના કનેક્શન માટે વિવિધ ચાર્જ પેટે રૂપિયા 1800 ચુકવવાના હોય છ,ે જ્યારે ગટરના કનેક્શનને કાયદેસર કરવા માટે 2100 રૂપિયા જેટલી રકમ ચુકવવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...