આપઘાતનો પ્રયાસ:મહુધામાં રીસામણે આવેલી પરણિતાએ ઘરકંકાસથી કંટાળી ધાબા ઉપરથી પડી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ,સાસુ, નાણંદ અને જેઠ સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઇ
  • ઘરનાં કામકાજ બાબતે સાસરીયા પીડિતા સાથે ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા

મહુધામાં રિસામણે આવેલી પરિણીતાએ પોતાના બાજુના મકાનની છત ઉપરથી છલાંગ લગાવી આપઘાત કરવાની કોશિષ કરી હતી. સાસરીયાના ઘરકંકાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરવાના ઈરાદે આ પગલું ભર્યું હતું. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસમાં પતિ,સાસુ, નાણંદ અને જેઠ એમ 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

મહુધા ચકલી કુરેશી મહોલ્લામાં રહેતી પરિણીતાના લગ્ન ચારેક વર્ષ અગાઉ તેઓના ઘરની સામેના મકાનમાં રહેતા મોઈન સિદ્દીકભાઈ કુરેશી સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલ હતા. લગ્ન સારી સારી રીતે ચાલતા તેણીના કુખે એક દીકરાને જન્મ આપ્યો હતો. પરણિતા પોતાના પિયરમાં અવારનવાર આવતા પોતાની માતાને જણાવતી કે તેણીનાં નણંદ સાસુ અને જેઠ અવારનવાર ઘરનાં કામકાજ બાબતે મહેણાં ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.

આ ઉપરાંત તેણીનો પતિ પણ આ તમામનું ઉપરાણું લઇ પોતાના ઘરના લોકોને સાથ આપતો હતો. ઘરસંસાર બગડે નહીં તે હેતુથી તેણીની માતા સમજાવી બુઝાવીને સાસરે વળાવી દેતા હતા.

થોડા દિવસ અગાઉ પીડીતા રિસાઈને પોતાના પિયરમાં આવી હતી અને પોતાની માતાને જણાવેલું કે, પતિ, સાસુ નણંદ તથા જેઠ એ ઘરનાં કામકાજ બાબતે તેમજ નાની નાની બાબતોને લઇને પોતાની સાથે બોલાચાલી કરી અને ઝઘડો કરેલો હતો. આ ઉપરાંત તેણીને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી દીધી હતી. તેથી પોતાના પિયરમાં આવી હતી.

ગતરોજ સાંજના સુમારે સાસુ તથા નણંદ ખેરુનબીબીના ઘરે આવ્યા હતા અને પીડિતા સાથે ઝઘડો કરી ઝપાઝપી કરેલ હતી. આ દરમિયાન ઉશ્કેરાટમાં આવેલા સાસુ એવું જણાવ્યું હતું કે, તું મરી જા તો અમો તારાથી છૂટીએ અને મારો દીકરો બીજી વહુ લાવે તેમ બોલી તેઓના ઘર તરફ જતા રહ્યા હતા. મનમાં લાગી આવતા પીડિતાએ પોતાના ઘરમાંથી બાજુના ઘરના ધાબા ઉપર જઈ ત્યાંથી નીચે છલાંગ લગાવી હતી. જોકે તેણીને સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.

આ બનાવ સંદર્ભે પરિણીતાની માતાએ સાસુ રુકસાનાબાનું સિદ્દીકભાઈ કુરેશી, નણંદ નાઝમીનબાનુ મકસુદહુસેન કુરેશી, જેઠ મોસીનભાઈ સિદ્દિકભાઈ કુરેશી અને પતિ મોઈનભાઈ સિદ્દિકભાઈ કુરેશી (તમામ રહે. મહુધા, ચકલીમા) સામે મહુધા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498A, 323,109, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...