ખેડા જિલ્લામાં પરિણીતાઓ પર અત્યાચારના બનાવો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે મહેમદાવાદના ખંભાલીની પરિણીતાએ પોતાના પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પીડિતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ બાબતે પરિણીતાએ પુછતા તેણીની પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી પરિણીતાને પોલીસનો સહારો લેવો પડ્યો છે.
મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામે રહેતા ફૈજમહંમદ સિંધના લગ્ન વર્ષ 2019માં સમાજના રીતિ રિવાજ સાથે નડિયાદની યુવતી સાથે થયા હતા. સુખી લગ્નજીવન દરમિયાન યુવતીને સારા દિવસો રહેતા તેણીએ એક દિકરાને જન્મ આપ્યો હતો. આ સમય દરમિયાન પરિણીતાને પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાનું માલુમ પડયું હતું. આ બાદ એક દિવસ તેણીએ પોતાના પતિને મોબાઈલમાં વાત કરતો ઝડપી લીધો હતો. આ બાબતે પીડીતાએ પુછતાં તેના પતિએ તેણીની સાથે ઝઘડો કર્યો હતો. બીજી બાજુ પરિણીતા પોતાના સાસુ-સસરાને આ વાત જણાવતાં તેમણે પણ પોતાના દિકરાનો પક્ષ લીધો હતો.
આ બાદ અવારનવાર ઘરના કામકાજ બાબતે પરિણીતા પર ત્રાસ વર્તાવવામાં આવતો હતો. પરિણીતાના ફરીથી સારા દિવસો આવતાં દવા કરાવવા પતિને જણાવતાં તેને ત્રણ દિવસ બાદ કરાવીશું તેમ કહ્યું હતું. જોકે આ બાદ પીડિતાને મીસકેરેજ થઈ ગયું હતું. ગત 5 જુલાઇના રોજ પીડીતાએ પોતાના પતિને ફરીથી અન્ય સ્ત્રી સાથે વાત કરતાં રંગેહાથે ઝડપી લીધો હતો. આ સમયે તેના પતિએ તેણીની સાથે બોલાચાલી કરી હતી. જેથી બીજા દિવસે પીડીતા પોતાના સંતાનને લઈને નડિયાદ મૂકામે પિયરમાં આવી ગઈ હતી. આ પછી પણ પરિણીતાના પતિ કે સાસરીવાળાઓએ કોઈ ખબર અંતર ન પુછતાં ગતરોજ આ અંગે પરિણીતાએ પોતાના પતિ ફૈજમહંમદ સિંધી, સાસુ તસલીમબાનુ સિંધી અને સસરા હનીફમંમદ સિંધી વિરુદ્ધ નડિયાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498A, 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.