નડિયાદની ઘટના CCTVમાં:કેનેડાથી આવેલા યુવક પર હુમલો, ટોળકી લઈને આવેલો સાસરીપક્ષનો શખસ ધોકા-પાઇપ લઇ તૂટી પડ્યો, 79 વર્ષનાં નાનીએ પણ ગુંડાઓ સાથે બાથ ભીડી

નડિયાદએક વર્ષ પહેલા
નડિયાદ શહેરના પીપલગ ચોકડી પાસે આવેલી સોસાયટીમાં હુમલો કર્યો હતો. - Divya Bhaskar
નડિયાદ શહેરના પીપલગ ચોકડી પાસે આવેલી સોસાયટીમાં હુમલો કર્યો હતો.
  • નડિયાદના યુવક હિમાંશુ કાછિયાએ અમદાવાદની સોનુ ત્રિવેદી સાથે કેનેડામાં પ્રેમલગ્ન કર્યા હતા
  • 2019માં લગ્ન બાદ તકરાર શરૂ થતાં બન્નેએ સમજૂતી સાથે છૂટાછેડા લીધાં હતાં
  • હિમાંશુ કેનેડાથી ઇન્ડિયા આવ્યો છે કે નહીં એની તપાસ કરવા માટે જ તેજસ આવ્યો હતો

નડિયાદ શહેરના પીપલગ ચોકડી પાસે આવેલા સમય એલિગન્સમાં શુક્રવારે સાંજે અમદાવાદથી ભાડુઆતી ગુંડાઓની ટોળકીએ આવીને કેનેડાથી આવેલા યુવકના ઘરે જઇને હિચકારો હુમલો કર્યો હતો. યુવકના સાસરીપક્ષના શખસે તેની ટોળકી સાથે આવીને ઘરમાં તેમજ ઘરની બહાર પાર્ક કરેલી ગાડીની તોડફોડ કરી હતી. આ મામલે પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરની પીપલગ ચોકડી પાસે આવેલા સમય એલિગન્સમાં રહેતા રાજુભાઇ કાછિયા પટેલના પુત્ર હિમાંશુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો, જ્યાં તેને અમદાવાદની સોનુ દીપકભાઇ ત્રિવેદી સાથે પ્રેમ સંબંધ બંધાતાં તેણે પરિવારજનોની મંજૂરી સાથે 2018 માં લગ્ન કર્યા હતા. બાદમાં 2019માં બંનેએ કેનેડામાં ફરી સિટિઝનશિપ માટે કાયદાકીય રીતે લગ્ન કર્યાં હતાં. જોકે લગ્ન બાદ બંને વચ્ચે તકરાર શરૂ થયા બાદ બંનેએ સમજૂતી સાથે છૂટાછેડા લીધાં હતાં. જોકે છૂટાછેડા બાદ પણ બંને વચ્ચે સંપર્ક યથાવત્ છે. દરમિયાન રાજુભાઇને કોરોના થતાં પુત્ર હિમાંશુ પિતાને મળવા માટે 7મી નવેમ્બરના રોજ ઇન્ડિયા આવ્યો હતો. આ સમયે સાસરીપક્ષનો કૌટુંબિક સાળો તેજસ બારોટ પણ હિમાંશુને મળવા માટે આવ્યો હતો અને બાદમાં શુક્રવારે તેણે પોતાના સાગરીતો સાથે આવી હિમાંશુ પર ધોકા, પાઇપ, લાકડીઓથી હુમલો કર્યો હતો. આ મામલે પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

હિમાંશુ કેનેડાથી ઇન્ડિયા આવ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે જ તેજસ આવ્યો હતો.
હિમાંશુ કેનેડાથી ઇન્ડિયા આવ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે જ તેજસ આવ્યો હતો.

પિતાની ખબર કાઢવા માટે પુત્ર ઇન્ડિયા આવ્યો હતો
હિમાંશુના પિતા નડિયાદ એ.પી.એમ.સી.માં વેપારી છે. તેમને થોડા સમય અગાઉ કોરોના થયો હોવાથી તે ખાસ પિતાને મળવા માટે ઇન્ડિયા આવ્યો હતો. આ દરમિયાન તેનાં સાસરિયાં દ્વારા તેની પર હુમલો કરાવવામાં આવ્યો હતો, જેને કારણે તે ભયભીત થઇ ગયો હતો. હિમાંશુ અને તેમનાં પરિવારજનોએ તેજસ પટેલ અને તેની સાથે આવેલા તેના ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર ધકેલી કાઢ્યા બાદ, તેમણે ઘરની બહાર મૂકેલી ગાડીમાં તોડફોડ કરી હતી અને દરવાજો પણ તોડ્યો હતો.

પરિવારે સમય સૂચકતા દાખવતાં મોટી ઘાત ટળી
તેજસ અને તેના ભાડૂઆતી ગુંડાઓએ હિમાંશુ પર હુમલો કરતાંની સાથે જ હિમાંશુ તેનાં માતા-પિતા, ભાઇ અને નાનીએ ભાડૂઆતી ગુંડાઓને ઘરની બહાર ધકેલી દઇને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ભાડૂઆતી ગુંડા હાથમાં લોખંડના સળિયા અને લાકડાના ડંડા લઇને આવ્યા હતા. જો પરિવારજનોએ સમયસૂચકતા ન દાખવી તો આ હુમલો જીવલેણ બન્યો હોત. આ હુમલામાં હિમાંશુનાં 79 વર્ષનાં નાનીએ પણ ગુંડાઓ સાથે બાથ ભીડીને તેજસ અને તેના ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર તગેડ્યાં હતાં.

પરિવારજનોએ ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર તગેડ્યા હતા.
પરિવારજનોએ ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર તગેડ્યા હતા.

તેજસ બે દિવસ અગાઉ રેકી કરવા આવ્યો હતો
હિમાંશુ ઇન્ડિયા આવ્યો હોવાની માહિતી તેના સાસરિયાંને મળી હતી. આ માહિતી કોણે પહોંચાડી એ તપાસનો વિષય છે. દરમિયાન તેજસ બારોટ બે દિવસ પહેલાં પણ નડિયાદ આવ્યો હતો અને હિમાંશુની મુલાકાત લઇને પરત ગયો હતો. હિમાંશુ કેનેડાથી ઇન્ડિયા આવ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે જ તેજસ આવ્યો હતો અને બાદમાં પ્લાન કરીને શુક્રવારે હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે નડિયાદ શહેરમાં આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા.

તેજસ અને દીપક સહિતના શખસો સામે ગુનો નોંધાયો
સમગ્ર ઘટના મામલે હિમાંશુ કાછિયા પટેલની ફરિયાદના આધારે તેજસ બારોટ (રહે.મણિનગર) અને દીપક ત્રિવેદી (રહે.અમદાવાદ) ઉપરાંત અજાણ્યા ભાડૂઆતી ગુંડાઓ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

હુમલાખોર તેજસ તેના બે મોબાઇલ ફોન ભૂલી ગયો
હિમાંશુ પર હુમલો કરવા આવેલો અમદાવાદનો તેજસ બારોટ તેના બે મોબાઇલ ફોન હિમાંશુના ઘરમાં જ ભૂલી ગયો હતો, જે તેણે પોલીસને આપી દીધા હતા. પોલીસે મોબાઇલ કબજે લઇને તપાસ હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...