ખેડા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં 63 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. શુક્રવારે અધધ 106 કેસ આવ્યા બાદ શનિવારે 59 અને રવિવારે 63ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સતત બીજા દિવસે આંકડો 100 ની નીચે રહેતા તેને રાહતના સમાચાર જરૂર ગણી શકાય, પરંતુ 63 કેસો પૈકી જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં જ 59 કેસ પોઝિટિવ આવ્યા છે. તે બાબત ક્યાંકને ક્યાંક તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. નડિયાદ સિવાય મહેમદાવાદ અને ગળતેશ્વરમાં 2-2 જ્યારે માતર અને ખેડા પંથકમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન પણ શહેરમાં ભીડભાડ પર આંશિક નિયંત્રણ જોવા મળ્યા છે. જોકે વિતેલા ચોવીસ કલાકમાં જિલ્લામાં 63 કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 59 કેસ ફક્ત નડિયાદ તાલુકાના છે. આજના 63 પોઝિટિવ કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 11,042 પર પહોંચી ગયું છે. 260 લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી 6 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં, 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં તેમજ 251 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આજે પણ તંત્ર દ્વારા જિલ્લાભરમાંથી 546 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા છે, જેમના રિપોર્ટ 24 કલાકમાં આવશે.
રસીકરણની વાત કરવામાં આવે તો રવિવારે 78 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 1644 લોકોએ રસી મૂકાવી હતી. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 97, કપડવંજ તાલુકામાં 280, કઠલાલ તાલુકામાં 235, ખેડા તાલુકામાં 0, મહુધા તાલુકામાં 183, માતર તાલુકામાં 0, મહેમદાવાદ તાલુકામાં 567, નડિયાદ તાલુકામાં 1039, ઠાસરા તાલુકામાં 217 અને વસો તાલુકામાં 0 મળી આજે કુલ 2618 લોકોનું રસીકરણ થયુ હતું.
વધતાં જતાં પોઝિટિવ આંક વચ્ચે ભૂમિપૂજનના સમારોહના તાયફાઓ
ખેડા જિલ્લામાં એકબાજુ કોરોના ઘાતકી બન્યો છે. તેવી સ્થિતિ વચ્ચે સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા છે. તેવામાં કઠલાલમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાર્તમુહૂર્ત વિધિ રવિવારે કરાઇ હતી. કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી રૂપિયા 3.50 કરોડના ખર્ચે તૈયાર થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રની ખાતમુહૂર્ત વીધી કરી હતી. એક બાજુ જીલ્લા કલેકટર કોરોના સંક્રમિત થયા છે તો આ પહેલા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ પણ કોરોનાના વાવળમાં આવી ચૂક્યા છે. આવી સ્થિતિ વચ્ચે આવા કાર્યક્રમો રદ રાખવા જાગૃત લોકો જણાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં માસ્ક તો લોકોએ ફરજિયાત પહેરેલા પણ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ક્યાં પણે ચૂક રહી ગઈ હોવાનો ચિતાર જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.