તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ખેડા જિલ્લામાં ગતરાત્રે સાર્વત્રિક વરસાદ, નડિયાદમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • નડિયાદ, મહુધા અને વસો પંથકમાં 2 ઈંચથી વધુ વરસાદ
  • સૌથી વધુ વસો પંથકમાં સવા બે ઇંચ અને સૌથી ઓછો ઠાસરામાં 2 મી.મી.
  • જિલ્લાનો સિઝનનો સરેરાશ પોણા ત્રણ ઇંચ વરસાદ નોધાયો

ખેડા જિલ્લામાં ગત રાત્રી દરમ્યાન મેઘરાજાની પધરામણી થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી. સાડા નવ વાગ્યાની આસપાસ શરૂ થયેલ વરસાદ ઠાસરા તાલુકામાં 02 મીમીને બાદ કરતા સમગ્ર જિલ્લામાં વરસ્યો હતો. સૌથી વધુ વસો તાલુકામાં બે ઇંચ કરતા વધારે જ્યારે સૌથી ઓછો ઠાસરા તાલુકામાં 02 એમએમ નોંધાયો હતો. જિલ્લાના 10 તાલુકામાં અત્યાર સુધી સિઝનનો પોણા 3 ઇંચ વરસાદ વરસી ચુકયો છે.

જોકે છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ઉકળાટમાં વધારો નોંધાયો હતો. પરંતુ ગત રાત્રે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લામાં વરસાદ શરૂ થતાની સાથે જ લાઇટો ગુલ થઇ જવાની સમસ્યા પણ સર્જાઇ હતી. જોકે સારી વાત એ રહી કે ગત રાત્રી દરમ્યાન ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવા છતાં ઝાડ પડવાના કે કોઇ નુકશાની ના બનાવો સામે આવ્યા નથી.

જિલ્‍લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

ખેડા જિલ્લામાં ગતરાત્રે 9 વાગ્યા બાદ વરસાદે એન્ટ્રી કરી હતી. જિલ્‍લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જોકે થોડા સમય બાદ આ વરસાદે વિરામ લેતાં આ ભરાયેલા પાણી ઓસરી ચૂક્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ જતાં લોકોને અંધારામાં રાત વિતાવવી પડી હતી. આ વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

સિઝનનો પહેલા વરસાદથી લોકોમાં ખુશી પ્રસરી ગઇ

છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી ત્રસ્ત થઈ ગયેલા લોકો આ વરસાદમાં ભીંજાવવાની મોજ માણી હતી. જિલ્લાના વડામથક નડિયાદમાં બે કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આ સાથે સાથે મહુધા અને વસોમાં પણ બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગતરાત્રે સમગ્ર ખેડા જિલ્લામાં 14.44 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સિઝનનો પહેલા વરસાદથી લોકોમાં ખુશી પ્રસરી ગઇ છે.

ખેડા જિલ્લામાં રાત્રી દરમિયાન પડેલા વરસાદના આંકડા જોઇએ તો તેમાં કઠલાલ 11 મી.મી, કપડવંજ 45 મી.મી, ખેડા 37 મી.મી, ગળતેશ્વર 16 મી.મી, ઠાસરા 2 મી.મી, નડિયાદ 53 મી.મી, મહુધા 53 મી.મી, મહેમદાવાદ 40 મી.મી, માતર 45 મી.મી, વસો 59 મી.મી વરસાદ પડ્યો છે.

નડિયાદ શહેરમાં રાત્રીના 9 થી 11માં બે ઇંચ વરસાદ નડિયાદમાં પણ રાત્રીના 9વાગ્યાના સુમારે ભારે પવન શરૂ થયો હતો. જેની સાથે સાથે વરસાદ શરૂ થતા રાત્રીના સાડા અગિયાર વાગ્યા સુધીમાં બે ઇંચ કરતા પણ વધારે પાણી વરસ્યું હતું. રાત્રી દરમ્યાન વરસેલા બે ઇંચ વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે બાદમાં વરસાદ બંધ થતા સવાર સુધીમાં તમામ પાણી ઓસરી ગયા હતા.

ખેડામાં સવા ઇંચ વરસાદને પગલે બસ સ્ટેન્ડમાં પાણી
ખેડા શહેર અને તાલુકા ના ગામડાઓમાં બુધવારે રાત્રે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. 2 કલાક સુધી વરસેલા વરસાદને પગલે સવા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. વરસાદને કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા. 2017 માં નવીન ખેડા બસસ્ટેન્ડ બનાવ્યા પછી વરસાદ માં પાણી ભરવાની આ એક મોટી સમસ્યા શરૂ થઇ છે. જો સામાન્ય પણ વરસાદ પડે તો પણ મોટા પ્રમાણમાં બસ સ્ટેન્ડ માં પાણી ભરાય જાય છે જેને લઈને મુસાફરોને પાણીમાં થઇને બસમાં જવું પડયું હતું.

માતરમાં પોણા બે ઇંચ
માતરમાં વરસાદ અને લીંબાસીમાં માત્ર છાંટા પડયા હતા. બુધવારે રાત્રે પવન સાથે વરસાદ માતર માં 2 કલાક સુધી વરસ્યો હતો. વરસાદ શરૂ થતા જ માતરમાં અડધો કલાક માટે વીજ પુરવઠો બંધ રહયો હતો. જ્યારે લીંબાસીમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.

મહુધા માં બે ઇંચ વરસાદ
મહુધા તાલુકામાં રાત્રી દરમ્યાન બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. તાલુકાની મહત્તમ વસ્તિ ખેતી પર નિર્ધારિત હોઇ વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા હતા. પરંતુ મેઘરાજાનાં આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

કપડવંજમાં પોણા બે ઇંચઃ ખેડૂતોમાં ખુશી
ખેડા જિલ્લામાં કપડવંજ પંથકમાં બાદ ગઈકાલે રાત્રે નવ કલાક પછી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાના પૂર્વ ગાળામાં સિંચાઇનો અભાવ હોવાથી ખેડૂતોમાં હાશકારાની લાગણી અનુભવાતી હતી. રાત્રે અંદાજે પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતાની સાથે શહેરમાં વીજળી પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો.

ગળતેશ્વરમાં અડધો ઇંચ
ગળતેશ્વર પંથકમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ હતી. સેવાલીયામાં વરસાદ શરૂ થતાની સાથે જ ગળતેશ્વર MGVCL ની પોલ ખુલીગઇ. MGVCL ને પ્રથમ વરસાદની શરૂઆતમાં જ વીજળી ગુલ થઈ તો પછી આગામી ચોમાસામાં તાલુકાવાસીઓ અંધારપટમાં રહેવા મજબુર બનશે.

મહેમદાવાદમાં પોણા બે ઇંચ વરસાદ
મહેમદાવાદ પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રાત્રી દરમ્યાન વરસેલ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા ઘણા સમયથી ગરમીથી ગરમી અને ઉકળાટ વધ્યો હતો. પરંતુ વરસાદને પગલે ગરમીથી કંટાળેલા લોકોને ઠંડક રૂપી રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...