તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનમાં અરાજકતા:નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રસીકરણ કેન્દ્રો પર અફડાતફડી, મર્યાદિત જથ્થા આવતા લોકો બાખડ્યા

નડિયાદ3 મહિનો પહેલા
નડિયાદમાં આવેલ અર્બન સેન્ટર પરના રસીકરણ કેન્દ્ર
  • આરોગ્ય કર્મીઓ સાથે ઘર્ષણ થતાં પોલીસ બોલાવવી પડી
  • મોટાભાગના કેન્દ્રો પર ટોકન સિસ્ટમ સાથે રસી અપાઈ રહી છે
  • રસીકરણ કેન્દ્રો પર ટોળેટોળા ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

ખેડા જિલ્લામાં કોરોનાના કાળા કહેર વચ્ચે રસીકરણના કેન્દ્રો પર અફડાતફડી મચી જવા પામી છે. સમગ્ર જિલ્લામાં મર્યાદિત જથ્થો આવતાં બીજો ડોઝ લેવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના કેન્દ્રો પર અફડાતફડી થતાં ચકમક થતી હોય છે અને કર્મીઓને ઘર્ષણમાં ઉતરવું પડતું હોય છે. માટે પોલીસ બંદોબસ્ત હેઠળ રસી કરણ યોજવા માંગ ઉઠી છે. તો તંત્રના લાખ પ્રયત્નો છતાં પણ લોકો કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સ નહી સાચવતા સંક્રમણ વધુ ફેલાવવાનો ભય રહેલો છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આવેલ રસીકરણ કેન્દ્રો પર લોકોનો ઘસારો વધ્યો છે. જેની સામે રાજ્ય સરકારમાંથી મર્યાદિત જથ્થો આવતાં લોકોને રસીકરણ માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડ્યું છે. જેના કારણે અમુક રસીકરણ કેન્દ્રો પર અફડાતફડીનો માહોલ સર્જાયો છે. એપ્રિલના મધ્ય ભાગમાં જિલ્લામાં 45 થી 60 વર્ષના વૃદ્ધને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જે સમયે રસીનો જથ્થો વધારે આવતા રસીકરણ કેન્દ્રોનો પણ વધારો કરાયો હતો. આ સમયે ટીકાકરણ અભિયાન ચાલુ કરાયું હતું. જેથી લોકોએ ભારે ઉત્સાહ ભેર રસી મુકાવી હતી. ચાર અઠવાડિયા બાદ આ વય જુથના લોકોને બીજો ડોઝની તારીખ આવતાં તેઓ નજીકના રસીકરણના કેન્દ્રો પર જાય છે. ત્યારે રસી સ્ટોકમાં નથી અથવા તો તે રસી મર્યાદિત આવતી હોવાની બુમો ઉઠી છે. તો આ તરફ રસીકરણ કેન્દ્રો પણ ઘટાડી દેવાતાં રસીકરણ કેન્દ્રો પર ટોળેટોળા ઉમટી પડયા છે. આ ટોળેટોળામાં રસી કર્મીઓને ક્યારેય ઘર્ષણમાં પણ ઉતરવું પડે છે તેવી નોબત આવી છે. અમુક કેન્દ્રો પર તો પહેલો ડોઝ પણ આપવામાં આવતો નહોવાની ફરિયાદો ઉઠી છે.

નડિયાદ સંતરામ મંદિર પાછળ આવેલ રસીકરણ કેન્દ્ર પર રસી નહી મળતાં લોકો ભળક્યા અને અફડાતફડીનો માહોલ સર્જાતા શહેર પોલીસને દોડવું પડ્યું.
નડિયાદ સંતરામ મંદિર પાછળ આવેલ રસીકરણ કેન્દ્ર પર રસી નહી મળતાં લોકો ભળક્યા અને અફડાતફડીનો માહોલ સર્જાતા શહેર પોલીસને દોડવું પડ્યું.

સંતરામ મંદિર પાછળ આવેલ રસીકરણ કેન્દ્ર પર ચકમક

નડિયાદ સંતરામ મંદિર પાછળ આવેલ અર્બન સેન્ટર પરના રસીકરણ કેન્દ્ર ખાતે છેલ્લા બે દિવસથી રસી કર્મીઓ અને રસી લેનાર વચ્ચે ઘર્ષણ થાય છે. શનિવારે બપોરે 12 વાગ્યે ઘર્ષણ વધતાં તુરંત નડિયાદ ટાઉન પોલીસને દોડવું પડ્યું હતું. અને તાલુકા હેલ્થ ઓફિસર પણ દોડી જઇ મામલો થાડે પાડ્યો હતો. મર્યાદિત જથ્થો આવતો હોવાથી ટોકન સિસ્ટમ સાથે રસી અપાઈ રહી છે. જ્યારે આ ટોકન મેળવવા પણ લોકો લાઈન લગાવી ઉભા રહે છે. તંત્રના લાખ પ્રયત્નો છતાં પણ મોટાભાગના રસીકરણ કેન્દ્રો પર ટોળેટોળા ઉમટી પડતાં સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવતાં કોરોનાની બીમારીને જિલ્લા વાસીઓ નોતરુ આપી રહ્યા છે.

નડિયાદની હરિદાસ હોસ્પિટલ પાસેના રસીકરણ કેન્દ્રો પર લાંબી લાંબી લાઈનો લાગી
નડિયાદની હરિદાસ હોસ્પિટલ પાસેના રસીકરણ કેન્દ્રો પર લાંબી લાંબી લાઈનો લાગી

રસીકરણ કેન્દ્ર પર દરવાજે નંબર આવ્યો ને જાણવા મળ્યું કે સ્ટોક પુરો થઈ ગયો : રસી મુકાવનાર

નડિયાદમાં હરિદાસ હોસ્પિટલ નજીક આવેલ રસીકરણ કેન્દ્રો પર રસી મુકાવવા માટે વૃદ્ધ, યુવાનો, મહિલાઓ સવારથી જ રસી મુકાવવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહે છે. ટોકન વાઈસ રસી મુકાવવામાં આવે છે. પરંતુ જ્યારે મારો નંબર દરવાજા પર આવ્યો ત્યારે સ્ટોક પુરો થઈ ગયો છે લેવા ગયા છે તેમ જાણવા મળ્યું હતું. રસી લેવા માટે લોકોને તાપમાં તરસ્યા ભુખ્યા રહેવું પડી રહ્યું છે.

કોરોના સામે અકસીર ઈલાજ એક માત્ર વેક્સિન

સમગ્ર ખેડા જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી છે. એક બાજુ જિલ્લા તથા રાજ્યમાં હોસ્પિટલો ફુલ છે ત્યારે એક ડર ઉભો થતાં લોકો આપમેળે રસી મુકાવવા ડરના માર્યા આવી રહ્યા છે. મોટા મોટા તબીબોએ પણ જણાવ્યું છે કે કોરોનાનો અકસીર ઈલાજ એક માસ વેક્સિન છે. હજી ત્રીજી લહેર ત્રાટકે તે પહેલા લોકો રસી મુકાવવા પડાપડી કરી રહ્યા છે.

નડિયાદમાં સંતરામ મંદિર પાછળનાં કેન્દ્ર પર ઘર્ષણ થતાં પોલીસને બોલાવવી પડી
નડિયાદમાં સંતરામ મંદિર પાછળનાં કેન્દ્ર પર ઘર્ષણ થતાં પોલીસને બોલાવવી પડી

ઘર્ષણ થતાં છેલ્લો ઉપાય પોલીસ બંદોબસ્તમાં હેઠળ રસીકરણ યોજવા માંગ

ખેડા જિલ્લામાં મોટાભાગના રસીકરણ કેન્દ્રો પર આજે ઘર્ષણના બનાવો બન્યા છે. રસી કર્મીઓ અને સ્થાનિક લોકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. માટે છેલ્લો ઉપાય એ છે કે હવે તમામ રસીકરણ કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત ફાળવવા માંગણી ઉઠી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પ્રકાશ સુથારનો ટેલીફોનીક સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું છે કે રસીકરણ કેન્દ્રો પર સ્થાનિક ડોક્ટરો અને વર્ગ બેના કર્મચારીઓ મુકેલા છે. જ્યાં જરૂર પડશે ત્યાં તેઓ સ્વેચ્છાએ ડિસિજન લઈ પરિસ્થિતિને કાબુમાં લઈ શકે છે. જોકે હાલ સુધી આવી કોઈ ઘટના ધ્યાને આવી નથી. જાગૃતિ આવતા લોકો આપમેળે રસી મુકાવવા આવે છે. જે ખરેખર સારી બાબત છે. અને અમે આ સ્થિતિને પહોંચી વળવા સમક્ષ છીએ. હાલ રસીનો અન્ય ડોઝ પણ આવી ગયો છે. જેથી એ માટેની પણ કામગીરી ચાલુ કરી દેવાઈ છે.

પીજમાં આરોગ્ય કેન્દ્ર પર થયેલ હોબાળા મામલે લેબ ટેકનિશીયન મહિલાએ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

રસીની બુમો વચ્ચે ગતરોજ વસો તાલુકાના પીજ ગામે આરોગ્ય કેન્દ્ર પર હોબાળો મચ્યો હતો. જેમાં ગ્રામજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે રસીકરણ મામલે તાલુકા બહારથી લોકોને રસી મુકવામાં આવતાં ગ્રામજનો રસીથી બાકાત રહી જતાં હતા. જ્યારે ગ્રામજનો રસી મુકાવવા જાય ત્યારે ધક્કો ખાવો પડતો હતો. જે બાબતે ગતરોજ હોબાળો મચ્યો હતો. આ મામલે કેન્દ્રની લેબ ટેકનિશીયન મહિલા નિમિષા બારોટની ફરિયાદના આધારે પીજના ભાવિન, રાજેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ અને મીલેશ જાની વિરુદ્ધ વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે રજીસ્ટ્રેશનની કામગીરીમાં કેન્દ્ર પર આવી બોલાચાલી કરી વેક્સીનની કામગીરીને અટકાવી દીધી હતી. ઉપરાંત આરોગ્ય કર્મીઓને ગર્ભિત ધમકીઓ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...