આઠમું નોરતું:ખેડા જિલ્લામાં આઠમા નોરતે ગરબામાં યુવાધન હિલોળે ચઢ્યું, ઠેરઠેર વેશભૂષાનું આયોજન કરાયું

નડિયાદ11 દિવસ પહેલા
  • શેરીઓ અને સોસાયટીઓ ગરબાના તાલે ઝૂમી

ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ ઉત્સવના આઠમા દિવસે ગરબાની ધૂમ ચારેકોર સંભળાઈ રહી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આ તહેવારની થનગનાટ જામી છે. કોરોનાની સ્થિતિને લીધે ગત વર્ષે નવરાત્રિની મંજૂરી આપવામાં આવી નહોતી. આ વર્ષે સરકાર દ્વારા પૂરતી તકેદારી સાથે લોકોને શેરી ગરબા કરવાની મંજૂરી આપવામાં આવી છે જેને લીધે ખેલૈયાઓના ચહેરા પર એક નવી જ ઊર્જા અને ખુશીનો આનંદ જોઇ શકાય છે. ગુજરાતી યુવકો અને યુવતીઓ પરંપરાગત પહેરવેશમાં હવે ગરબાની ખૂબ મોજ કરી રહ્યા છે અને ગરબા રસિકો ખૂબ મોજ માણી રહ્યા છે.

નડિયાદમાં રામ ફળીયામાં વિસ્તારમાં 21 ગામ લેઉવા પાટીદાર સમાજ નડિયાદ ઘટક દ્વારા સુંદર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદ અમદાવાદી દરવાજા બહાર કૃષ્ણજીવન યુવક મંડળ દ્વારા ગરબાની રમઝટ જામી છે. સાથે સાથે નડિયાદમાં સરદાર પટેલના જન્મ સ્થળ દેસાઈ વગા ખાતે ભાતીખત્રી વિસ્તારમાં અને નડિયાદ શહેરમાં વિશ્વનાથ મહાદેવ પાસે શેરી ગરબામાં યુવાધન હિલોળે ચઢ્યુ છે. આ સાથે વસો તાલુકાના પલાણા ગામે રણછોડજીની ખડકીમાં પારંપરિક ગરબા યોજાયા છે. ઉપરાંત વેશભૂષાનું પણ આયોજન કરાયું છે. જેમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ વિવિધ પરિધાનોમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા છે. ઉપરાંત વિવિધ થીમ પર પહેરવેશ પહેરી યુવાધન ગરબે ઝૂમ્યું છે. આ પર્વ માતા ભગવતી જગદંબાની શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ ખૂબ ઉલ્લાસમય વાતાવરણ પસાર થઈ રહ્યું છે.

માઇ મંદિર નડિયાદ ખાતે આજે અષ્ટમીના દિવસે ખાસ નવચંડી યજ્ઞ થયો ત્યાર બાદ માઁની મૃત્યુંજય મહાકાલ આરતી કરવામા આવી હતી. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામા મંદિરે પધારેલા ભક્તોએ લીધો.જગત જનનીના અલૌકિક દર્શન કરવા આરતીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...