ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 34 ટકા જેટલા વરસાદની અસર વાવેતર પર પડી છે. જુલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં વાવેતર વધ્યું છે. પરંતુ ગત વર્ષ ઓગસ્ટના અત્યારની સ્થિતિએ આ વર્ષે અત્યાર સુધીના વાવેતરમાં 5 હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. તદુપરાંત સપ્તાહ સુધી વરસાદની નહિવત સંભાવનાને પગલે નવા વાવેતરની સાથે સાથે જે વાવેતર થઇ ચૂક્યું છે તેની સામે પણ ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે.
કૃષિ વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં ગયા સપ્તાહના અંત સુધી કુલ 1.64 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે. જુલાઈ માસના અંત સુધી કુલ 1.41 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર નોંધાયુ હતુ. ત્યારબાદ 6 ઑગસ્ટ એટલે માત્ર 1 સપ્તાહના ટુંકા ગાળામાં કુલ 23,633 હેક્ટર જમીનમાં વાવણી વધી છે.
જો કે, સૌથી ચિંતાની બાબત એ છે કે વર્ષ 2020માં અત્યારની સ્થિતિએ કુલ 16795 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું હતું તેની સામે 2021માં અત્યાર સુધીમાં 164792 એટલે કે 5 હજાર હેક્ટર વિસ્તારમાં ઓછું વાવેતર થયું છે. રાજય્ સરકારે કડાણા અને નર્મદા ડેમમાંથી ચરોતર માટે પાણી આપવાનું શરૂ કર્યુ છે પરંતુ જિલ્લાના અનેક વિસ્તારોમાં કેનાલ નેટવર્ક અને પૂરતા પ્રમાણમાં પાણીના અભાવે વાવેતર પર જોખમ તોળાઇ રહ્યું છે.
ખરીફ સિઝનના છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર સામે 32.35 ટકાની ઘટ્ટ નોંધાઈ છે
ખરીફ સિઝનનું છેલ્લા ત્રણ વર્ષનું સરવૈયુ કાઢતા સરેરાશ 2.43 લાખ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાતુ હતુ. તેની સામે આ વર્ષે અત્યાર સુધી 1.64 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયુ છે. ત્યારે હજુ આ સિઝનમાં ખરીફ વાવણીમાં 78,775 હેક્ટર એટલે 32.35 ટકા વાવેતરની ઘટ્ટ છે.
પાણીનો પોકાર : કેનાલોમાં પાણીના પૂરતા જથ્થાના અભાવે કિસાનો લાલઘૂમ
માતર તાલુકાના ત્રાજ, પુનાજ, પુંજેરા, શેખુપુર, બરોડા,મહેલજ, લીંબાસી, ખરાંટી જેવા સાત જેટલા ગામોના 200 જેટલા ખેડૂતોએ બુધવારે ધરણા કર્યા હતા. સરકારની કેનાલમાં પાણી છોડવાની જાહેરાતના પાંચ દિવસ પછી પણ કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ત્રાજ આગળથી પસાર થતી ત્રાજ વિશાખા કેનાલ નજીકના ખેડૂતો દ્વારા પુનાજ ગામ પાસે કેનાલ પાસે ધરણા પ્રદશન કર્યું હતું. સવારે 10 વાગે ઢોલ સાથે ભેગા થઈ કેનાલ પાસે બેસીને રામધૂન કરીને વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ કુલ 2000 વિઘાથી વધારે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.
તાલુકાવાર 2020-21નું ખરીફ વાવેતર (હેક્ટરમાં)
તાલુકો | 2020 | 2021 |
ગળતેશ્વર | 4888 | 4410 |
કપડવંજ | 32642 | 31086 |
કઠલાલ | 17291 | 14814 |
ખેડા | 18599 | 18279 |
મહેમદાવાદ | 21663 | 20959 |
મહુધા | 9112 | 9910 |
માતર | 21357 | 20391 |
નડિયાદ | 20185 | 19373 |
ઠાસરા | 14591 | 14798 |
વસો | 9467 | 10772 |
કુલ | 169795 | 164792 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.