સમસ્યા:ખેડા જિલ્લામાં કોરોનાની મૃત્યુ સહાય મેળવવા વારસદારો નિઃસહાય સ્થિતિમાં

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાવાર મૃત્યુ આંક 48, ફોર્મ વિતરણ થયા 300, પરંતુ એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી
  • પેઢીનામું તૈયાર કરવાનું, સંમતિ પત્રક તૈયાર કરવાનું, મૃત્યુનું અને કોરોનાનું સર્ટિ. મેળવવામાં જ અરજદાર થાકી જાય છે

સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સહાય માટેના ફોર્મ સાથે રજુ કરવાના સર્ટીફિકેટની પ્રક્રિયા સાત કોઠા વિંધવા જેટલી અઘરી હોવાના કારણે મૃતકોના સ્વજનોને હેરાન થવાનો વારો આવ્યો છે. જિલ્લામાં સત્તાવાર 48 કોરોના મૃત્યુ સામે છેલ્લા ચાર દિવસમાં 300 ફોર્મનું જિલ્લા ડિઝાસ્ટર વિભાગમાંથી વિતરણ થયું છે. જેમાંથી એક પણ ફોર્મ હજુ સુધી ભરાઈને પરત આવ્યું નથી. જેની પાછળનું કારણ અટપટી વ્યવસ્થા, સરકારી કચેરીઓ અને હોસ્પિટલ વચ્ચે યોગ્ય સંકલન હોવાનું સામે આવી રહ્યું છે.

ખેડા જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગને કોરોના મૃતકોના સ્વજનોને સહાયની કામગીરી સોંપવામાં આવી છે. જ્યાથી છેલ્લા ચાર દિવસમાં 300 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ આજદિન સુધી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. જેની પાછળના કારણની તપાસ કરતા ચોકાવનારા કારણ સામે આવ્યા છે. મૃતકનાં સ્વજનો સહાય મેળવવાની આશાએ ફોર્મ તો લઈજાય છે. પરંતુ ફોર્મ લઈ ગયા બાદ તેઓની ખરી પરીક્ષા શરૂ થાય છે. પહેલા તો નગરપાલિકામાંથી મૃત્યુ સર્ટિફિકેટ અને એમ.એમ.સી. એટલે કે મિડકલ કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ પણ લેવાનું હોય છે. પરંતુ પાલિકામાંથી તેઓને ફક્ત મૃત્યુનું સર્ટિફિકેટ મળે છે, જે બાદ એમએમસી એટલે કે મેડિકલ કોઝ ઓફ ડેથ નું સર્ટિફિકેટ લેવા તેઓને હોસ્પિટલ મોકલાય છે. પરંતુ સ્વજનો જ્યારે હોસ્પિટલ પહોંચે છે, ત્યારે હોસ્પિટલને આવો કોઈ સરકારી જી.આર. નહી મળ્યો હોવાના જવાબ મળે છે. જેના કારણે અરજદારોને વીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે.

આ સીવાય પણ જેના સ્વજન મૃત્યું પામ્યા હોય છે, તેના પરિવારનું પેઢીનામુ કરાવવું, પરિવારના તમામ લોકોને એકત્ર કરી સંમતિ સોગંદનામું કરાવવું, અને બાદમાં સહાયનો ચેક કોના નામનો લેવાનો છે, તેની જાણ કરવાની હોય આટલી લાંબી પ્રક્રિયાને કારણે સ્વજનો સહાયના ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરી દેવાઈ, પરંતુ સહાય ચૂકવવા પાછળ સ્વજનોને જે ધક્કા થઈ રહ્યા છે, તેના કારણે કાર્યવાહી મુશ્કેલ બની રહી છે.

ફોર્મ ભરવા પેઢીનામું, સંમતિપત્રક આપવા પડશે
ડિઝાસ્ટર વિભાગમાંથી 300 ફોર્મનું વિતરણ થયું છે. પરંતુ ફોર્મ ભરવાની જે કાર્યવાહી છે તે લાંબી છે. મૃતકોના સ્વજનોએ પેઢીનામું તૈયાર કરવું પડે છે. જે બાદ એક સંમતિ પત્રક તૈયાર કરવાનું હોય છે, જેમાં ચેક કોના નામે આપવો તેની સંમતિ આપવાની હોય છે. જેના કારણે ફોર્મ પરત આવતા વાર લાગી રહી છે.> ભીખુભાઈ ચૌહાણ, મામલતદાર, ડિઝાસ્ટર

પેઢીનામું તો બની જાય, પરંતુ કોરોના ડેથ સર્ટિફિકેટ મેળવવું અઘરું છે
આ બાબતે મૃતકનાં સ્વજને નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે પેઢીનામુ અને સંમતિ પત્રક તો તૈયાર કરી લઈએ. પરંતુ ડેથ સર્ટિફિકેટ અને તેમાં પણ કોરોના થી મૃત્યુનું સર્ટિફિકેટ મેળવવું લોઢાના ચણા ચાવવા બરાબર છે. પાલિકામાંથી તો માત્ર ડેથ સર્ટિફિકેટ આપે છે, અને કોરોના સર્ટિફિકેટ લેવા હોસ્પિટલ જાવ તેમ કહે છે. જ્યારે હોસ્પિટલ જઈએ ત્યારે સરકારની કોઈ ગાઇડલાઇન અમને મળી નથી તેમ કહી પરત મોકલે છે. જેના કારણે ફોર્મ ભરવું તો કઈ રીતે તે સમજાતુ નથી.

અન્ય સમાચારો પણ છે...