ડાંગરનું વેચાણ:ખેડામાં 1.38 લાખ ક્વિન્ટલ ડાંગર સરકારી ગોડાઉનમાં ઠલવાઈ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લામાં ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતો ઉમટી પડતા રોડ પર ડાંગર ભરેલા ટ્રેક્ટરોની લાઈનો પડી હતી. - Divya Bhaskar
ખેડા જિલ્લામાં ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતો ઉમટી પડતા રોડ પર ડાંગર ભરેલા ટ્રેક્ટરોની લાઈનો પડી હતી.
  • ખેડૂતોએ રાતો રાત ટ્રેકટરો સાથે લાઈન લગાવી : 1987 ખેડૂતોને 19.19 કરોડનું ચુકવણું કરાયું

ખેડા જિલ્લામાં વિપુલ માત્રામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. ડાંગર હબ તરીકે જાણીતા ચરોતરમાં ખરીફ સિઝન દરમિયાન ખેડૂતો ડાંગરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. ત્યારે કેટલાક ખેડૂતો બજારમાં સીધુ વેચાણ કરતા હોય છે, ચાલુ વર્ષે 3286 ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ડાંગર વેચવાનું પસંદ કર્યુ છે. રાજ્ય સરકારના નિર્દેશ બાદ ઓક્ટોબર-નવેમ્બરથી જ રાજ્યભરમાં વિવિધ ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ હતી. ઓણસાલ જાન્યુઆરીના પ્રારંભે 3286 ખેડૂતોએ ડાંગર(કોમન)નું વેચાણ કર્યુ છે.

આ ખેડૂતોએ કુલ 1.38 લાખ ક્વિન્ટલ ડાંગર ખેડા જિલ્લાના 6 સરકારી ગોડાઉનમાં ઠાલવી છે. કુલ 6 હજાર ઉપરાંત ખેડૂતોએ ડાંગરના વેચાણ માટે નોંધણી કરાવી હતી. જે પૈકી 3286 ખેડૂતોએ વેચાણ કર્યુ છે. આ તમામ ખેડૂતોને સરકાર દ્વારા 26.94 કરોડ રૂપિયા ચુકવણુ કરશે. જે અન્વયે સરકારે અત્યાર સુધી 1987 ખેડૂતોને 19.19 કરોડ ઉપરાંતની રકમનું ચુકવણુ કરી દીધુ છે. ડાંગરના હબ ગણાતા ખેડા જિલ્લામાં હજારો હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયુ હતુ. જે પૈકી ડાંગર (કોમન)નો ટેકાનો ભાવ મેળવવા ખેડૂતો પણ આતુર હતા.

જેના કારણે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદી વધી છે. નડિયાદમાં તો મુખ્ય સરકારી ગોડાઉન ભરાઈ જતા પ્રશાસને તત્કાલ ડાકોર રોડ પર સાંઈબાબાના મંદિર પાસે બનાવેલા નવા સરકારી ગોડાઉનમાં ખરીદી શરૂ કરી હતી. ત્યાં પણ ખેડૂતોએ રાતોરાત લાઈનો લગાવી ડાંગરનું વેચાણ કર્યુ હતુ.

10 ખેડૂતોએ ડાંગર(ગ્રેડ-એ)નું વેચાણ કર્યુ
ખેડા જિલ્લમાં 10 ખેડૂતોએ એ-ગ્રેડ ડાંગરનું વેચાણ કર્યુ છે. ઠાસરાના 5 અને ગળતેશ્વરના 5 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકારી ગોડાઉનમાં 717 ક્વિન્ટલ ડાંગર(ગ્રેડ-એ)નું વેચાણ કર્યુ હતુ. આ ખેડૂતોને 14 લાખ રૂપિયા જેટલુ ચુકવણુ સરકાર કરશે. જે પૈકી અત્યાર સુધી 6 ખેડૂતોને 8.54 લાખ રૂપિયા ચુકવાઈ ગયા છે.

326 ખેડૂતો પાસેથી 9784 ક્વિન્ટલ બાજરીની ટેકાના ભાવે ખરીદી કરાઈ
બાજરીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે 630 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી અત્યાર સુધી 326 ખેડૂત પાસેથી 9784 ક્વિન્ટલ બાજરી ખરીદી કરાઈ છે. જે માટે સરકાર આ ખેડૂતોને 2.20 કરોડ રૂપિયા ચુકવશે. આ પૈકી અત્યાર સુધી 190 ખેડૂતોને 1.28 કરોડ રૂપિયાનું ચુકવણુ કરી દેવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...