તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોનો પ્રશ્ન હલ થશે:કપડવંજ પંથકમાં વારાંશી નદી પર રૂપિયા 13 કરોડ ઉપરાંતના ખર્ચે 4 ચેકડેમ બનતા પાણીના સ્તર ઉંચા આવતા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી સહેલાઈથી મળી રહેશે

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહીંયાના ખેડૂતો આ ચેકડેમ માટે વર્ષોથી માંગણી કરી રહ્યા હતા

મહી સિંચાઈ વર્તુળ, નડિયાદ અંતર્ગત કપડવંજ તાલુકામાં વારાંશી નદી પર રૂપિયા 13 કરોડ 39 લાખ ઉપરાંતના ખર્ચે ચેકડેમના કામો માટે વહીવટી મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કપડવંજ તાલુકાના વાઘાનામુવાડા, મોટી ઝેર, ફૂલજીનામુવાડા, સિંઘપુર વગેરે ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ અગાઉ ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ સમક્ષ સિંચાઈ બાબતે માંગણી કરી હતી. જેમાં આ પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતી સિંચાઈ માટે જો અહીંયા વારાંશી નદી પર ચેકડેમનું નિર્માણ થાય તો તેનો સીધો લાભ આ પંથકના ખેડૂતોને મળી રહેશે. આ રજૂઆતને ધ્યાને લઇ સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ગત મે માસમાં રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી હતી. તેઓની રજુઆતના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નર્મદા, જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા કપડવંજ પંથકમાં વારાંશી નદી પર 4 ચેકડેમોના નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ ચેકડેમો બનતા અહીંયા પાણીના સ્તર ઉચા આવશે અને ખેડૂતોને સિંચાઈ સહિતના પાણીનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે વારાંશી નદી પર કપડવંજ તાલુકાના વાઘાનામુવાડા ગામે રૂપિયા 3 કરોડ 22 લાખ, મોટી ઝેર ગામે રૂપિયા 3 કરોડ 48 લાખ, ફૂલજીનામુવાડા ગામે રૂપિયા 3 કરોડ 60 લાખ અને સિંઘપુર ગામે રૂપિયા 3 કરોડના મળી અંદાજીત કુલ રૂપિયા 13 કરોડ 39 લાખના ખર્ચે વિભાગ દ્વારા વહીવટી મંજૂરી મળતા સમગ્ર વિસ્તારના પ્રજાજનોમાં ખુશીની લહેર ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...