કાર્યવાહી:ગળતેશ્વરમાં પોલીસે બસમાંથી દેશી રિવોલ્વર અને મેગઝીન સાથે બે પરપ્રાંતીય ઇસમોને ઝડપી પાડ્યા, રાજકોટના શખ્સને હથિયાર આપવાનું બહાર આવ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ પોલીસને જાણ કરાતા પોલીસે જે શખ્સને હથિયાર પહોંચાડવાના હતા તેને ઝડપી પાડ્યો
  • પોલીસે બે હથિયાર અને એક મેગઝીન, ચાર જીવતા કારતૂસ કબ્જે કરી આમર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

રાજ્યમાં અમુક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વચ્ચે ગતરોજ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગળતેશ્વર પાસેના મહારાજાના નવા મુવાડાની ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી મુસાફરી કરતા બે ઇસમોને દેશી રીવોલ્વર તથા મેગઝિન સાથે સ્થાનિક પોલીસે દબોચી લીધા હતા. આ હથીયારના પ્રકરણમાં જેના હથિયાર પહોંચાડવાનો હતો તેનું નામ ખૂલતાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ તુરંત આંતર જિલ્લા કોઓર્ડીનેશન કરી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને જાણ કરી હતી. જેથી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાંચે તે શખ્સને હથીયાર સાથે ઝડપી લીધો છે.

ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત ગત 11મી એપ્રિલના રોજ રાત્રે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મહારાજાના નવા મુવાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. ત્યારે ગોધરા તરફથી આવતી ટ્રાવેલ્સ લક્ઝરી બસને અટકાવી હતી. આ લક્ઝરી બસમાં પોલીસે તપાસ આદરી હતી. જેમાં સ્લીપર કોચમાં કંડકટરની પાછળની સીટમાં બેઠેલા બે ઈસમો વિશાલ બહાદુર કેવટ (રહે.કરમાતપુરા, તા.ઠીકરી,જિ.બડવાની, મધ્યપ્રદેશ) અને નરેન્દ્ર પરમિયા પવાર (રહે.અભાલી, તા.ઠીકરી,જિ.બડવાની, મધ્યપ્રદેશ) પાસેથી પોલીસે એક દેશી રિવોલ્વર કિંમત રૂપિયા 5 હજાર તથા એક મેગઝિન કબ્જે કર્યુ હતું. આ બનાવમાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 18 હજાર 490 મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ હથીયાર કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસે ઝડપાયેલા આરોપીઓની પુછપરછ આદરી હતી. જેમાં આરોપીઓએ જણાવ્યું કે, આ હથિયાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમળીયા ગામે રહેતા જયપાલસિંહ દિગુભા જાડેજાને આપવાના હોવાની કબૂલાત કરી હતી. જેથી આ સમગ્ર ઘટનાની જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ ગંભીરતા પૂર્વક નોંધ લઇ આંતર જિલ્લા કોઓર્ડીનેશન કરી સમગ્ર ઘટના સંદર્ભે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને વાકેફ કર્યા હતા.

જેના આધારે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે જયપાલસિંહ દિગુભા જાડેજાને‌ ઝડપી લીધો હતો. આ જયપાલસિંહ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર તથા 4 નંગ કારતૂસ મળી 10 હજાર 400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ આ ગુનામાં બે હથિયાર અને એક મેગઝીન તથા ચાર જીવતા કારતૂસ પોલીસે પકડી પાડી આમર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

જિલ્લા પોલીસવડાએ રાજકોટ પોલીસને જાણ કરી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું
મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી દેશી રિવોલ્વર અને મેગઝીન સાથે ઝડપાયેલ ઇસમોની ઉલટ તપાસ કરતા રિવોલ્વર રાજકોટના જયપાલસિંહ આપવાની હોવાનું બહાર આવ્યું હતું.આ અંગે જિલ્લા પોલીસવડાએ રાજકોટ જાણ કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...