રોષ:નડિયાદ શહેરના ફતેપુરામાં રસ્તા પર ગટર લાઈનનું પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને હાલાંકી

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને અવાર-નવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં રોષ

નડિયાદ શહેરના ફતેપુરા રોડ પર 4 જેટલા ફળિયાના લોકોને આવવા-જવાનો એકમાત્ર રસ્તો પાણી ભરાઈ જવાને કારણે બ્લોક થઈ ગયો છે. વરસાદી પાણીના નિકાલ માટેની કાંસની યોગ્ય સફાઈ ન થતા પાણીનો ઝડપી નિકાલ થતો નથી. ઉપરાંત રોડ પર આવેલી ગટર લાઈન પણ ઉભરાતી હોવાથી ગંદકી વરસાદી કાંસના પાણીમાં ભળી જતા અસહ્ય દુર્ગંધ મારી રહી છે.

વોર્ડ નંબર-13માં આવેલા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર જતા મથુર ફળિયુ, રણછોડ ફળિયુ અને મોતી ફળિયા સહિત ત્યાં આસપાસ છુટા-છવાયા રહેતા લોકોને ફતેપુરા રોડ પર આવવા માટે એક માત્ર રસ્તો પાણી ભરાઈ જવાને કારણે બ્લોક થઈ ગયો છે. ફતેપુરા રોડથી અડીને જ આ તમામ ફળિયા અને ત્યાંના વિસ્તારમાં જવાનો રોડ આવેલો છે.

આ ફળિયાઓમાં 50થી વધુ પરિવારો રહે છે. જેમને જવા-આવવા માટે આ એકમાત્ર રસ્તો છે. આ રસ્તો જ્યાં ફતેપુરા રોડ પર આવી પૂરો થાય છે, ત્યાં ફતેપુરા રોડને અડોઅડ વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી કાંસ આવેલી છે. આ કાંસમાં પાલિકા પ્રશાસન દ્વારા ચોમાસા અગાઉ માત્ર અંદર ઉગી નીકળેલી વેલ સાફ કરી સફાઈ કર્યાનો સંતોષ માની લેવાય છે.

પરંતુ કાંસની અંદરની ગંદકી તેમજ ચકલાસી ભાગોળ ઉપર મુખ્ય રોડની નીચેથી પસાર થતા કાંસના ભાગની સફાઈ માટે કોઈ આયોજન કરાતુ નથી. પરિણામે કાંસમાંથી પસાર થતુ વરસાદી પાણી રોકાય છે અને સામાન્ય વરસાદ પડે તો પણ કાંસ છલકાઈને તેમાંથી પાણી બહાર આવી રોડ પર ભરાઈ જાય છે. આ રીતે જ ઉપરોક્ત ફળિયાઓમાંથી બહાર નીકળવાના રસ્તા પર પણ પરિસ્થિતિ વણસી છે અને ઢીંચણ સમુ પાણી ભરાઈ ગયુ છે. તેમાંય ત્યાંથી પસાર થતી ગટર લાઈન પણ ઉભરાતા તેમાંથી પણ પ્રદૂષિત પાણી બહાર આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...