હાલત કફોડી:કોરોનામાં રૂા. 80 હજારનો રાવણ 30 હજારનો થયો, સતત 2 વર્ષથી નુકસાન

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ પેઢીથી રાવણ બનાવવાનું કામ શેખ પરિવાર કરી રહ્યો છે

દશેરાના દિવસે રાવણ દહનનું વિશેષ મહત્વ છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી રાવણ દહનની મંજુરી નહી મળતા રાવણ બનાવતા કારીગરોની હાલત કફોડી બની છે. આ વર્ષે કેટલાક સ્થળો પર શરતોને આધીન રાવણ દહનની મંજૂરી આપી છે ત્યારે નડિયાદ ખાતે રાવણ બનાવવા અમદાવાદ થી આવેલા શેખ પરીવારે કોરોના કાળ દરમિયાન ની તકલીફ વર્ણવી હતી. અમદાવાદના જુહાપુરા ખાતે રહેતા મહંમદ ઇસાક બાબુભાઈ શેખનો પરિવાર પાંચ પેઢીથી રાવણ બનાવવાનું કામ કરે છે. હાલ તેઓ, તેમની 3 દિકરીઓ, દીકરો અને પત્ની મળી કુલ 5 લોકો રાવણ બનાવવાની કામગીરીમાં જોતરાયા છે.

મહંમદભાઈનું કહેવું છેકે ચાર પેઢી અગાઉ તેમના પરદાદા છોટુભાઈએ પરિવારમાં વાંસની પટ્ટીની ચીજવસ્તુઓ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારથી તેમનો પરિવાર નડિયાદ અને આણંદમાં રાવણ બનાવે છે. કોરોના દરમિયાન રાવણ દહન, તાજીયા જેવા તહેવારોને મંજૂરી મળી ન હતી. બીજી તરફ વાંસની પટ્ટીની છુટક કામગીરી પણ નહીં મળતી હોવાથી પરિવારના ગુજરાન પર વિપરીત અસર પડી હતી.

જોકે આ વર્ષે સરકારે રાવણ દહનની મંજૂરી આપતા નડિયાદ અને આણંદ ખાતે તેઓને ઓર્ડર મળ્યા છે, પરંતુ રાવણ ની હાઈટ 51 ફુટ થી ઘટીને 20 ફૂટ થઈ જતા રૂ.80 હજાર માં બનતો રાવણ રૂ.30 હજારનો થઈ ગયો છે. જેના કારણે તેમના નફામાં પણ કાપ મુકાયો છે.