બે રીક્ષાઓ સામસામે અથડાઈ:કપડવંજના સુલતાનપુર પાસે બે રીક્ષા વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, બંન્ને વાહનોના કચ્ચરઘાણ વળી ગયા

નડિયાદ5 દિવસ પહેલા
  • બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • સીએનજી રીક્ષાના આગળના ભાગનો લોચો વળી ગયો, પિયાગો રીક્ષા રોડની સાઈડના ખાડામાં ઉથલી પડી
  • કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી

ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. આજે ગુરૂવારે કપડવંજ પંથકના સુલતાનપુર પાટિયા પાસે સીએનજી રીક્ષા અને પિયાગો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે.

કપડવંજ તાલુકાના સુલતાનપુર પાટિયા પાસે આજે ગુરૂવારની બપોરે એક અકસ્માત સર્જાયો છે. જેમાં અહીંના નીરમાલી રોડ પરથી પસાર થતી સીએનજી રીક્ષા અને પિયાગો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે સીએનજી રીક્ષાના આગળના ભાગનો લોચો વળી ગયો હતો. જ્યારે પિયાગો રીક્ષા રોડની સાઈડના ખાડામાં ઉથલી પડી હતી.

આ અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે કપડવંજ ટાઉન પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો

જશીબેન પુનમભાઈ પરમાર (ઉ. વ. 55, રહે. જાંબુડી, તા. કપડવંજ)

મંગળભાઈ રામાભાઈ ઝાલા (ઉ.વ. 60, રહે. ગૌચરના મુવાડા, તા. કપડવંજ)

કાંતાબેન ભૂપતભાઈ સોલંકી (ઉ. વ. 42, રહે. લખાભગતના મુવાડા, તા. કપડવંજ)

મૃત્યુ પામનારા લોકો પૈકી જશીબેન અને મંગળભાઈ પિયાગો રીક્ષામાં બેઠેલા હતા. જ્યારે કાંતાબેન સોલંકી સીએનજી રીક્ષામાં સવાર હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા રેવાબેન રામાભાઈ ઝાલા તથા મણીબેન ચૌહાણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...