• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In 611 Days, 621 Applications For Land Grabbing, Out Of 74 Applications Accepted, Out Of 41, 152 Cases Were Registered Against The Police, 478 Cases Were Registered And 69 Applications Were Still Pending.

ભાસ્કર વિશ્લેષણ:611 દિવસમાં લેન્ડ ગ્રેબિંગની 621 અરજી, 74 અરજી માન્ય; 41માં 152 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ, 478 દફતરે કરાઇ, 69 પેન્ડીંગ

નડિયાદ24 દિવસ પહેલાલેખક: યજુર્વેન્દ્રસિંહ ચુડાસમા
  • કૉપી લિંક
  • નડિયાદ કોર્ટમાં કેસનું ભારણ વધી જતાં હજુ સુધી એક પણ કેસનો નિકાલ આવી શક્યો નથી
  • 29 ઓગસ્ટ 2020; લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી ખેડા જિલ્લામાં રોજની સરેરાશ એક અરજી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2020 ડિસેમ્બરમાં ઘી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. કાયદા અન્વયે રાજયમાં આવેલ જમીન પર ભૂમાફિયાઓના વધતા ત્રાસ અટકાવવા કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. કાયદો અમલમાં આવ્યા બાદ દોઢ વર્ષમાં ખેડા જિલ્લામાં દસ તાલુકામાંથી કુલ-621 નાગરિકોએ કાયદા અન્વયે ન્યાય માંગવાની અરજી કરી હતી. જે અન્વયે 74 અરજી માન્ય રખાય છે, જ્યારે 478 અરજી દફતરે થઈ છે. માન્ય અરજીઓ પૈકી 41 કેસમાં 152 નાગરિકો વિરુદ્ધ પોલીસ કેસ કરવામાં આવ્યા છે. જો કે આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યા છે. પરંતુ જિલ્લામાં એક પણ કેસમાં સજા થઈ નથી.

ગુજરાત રાજ્યમાં ભૂમાફિયાઓ પર કાયદાનો સકંજો કસવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ સામે આવી છેકે દોઢ વર્ષ થવા છતાં ખેડા જિલ્લામાં નોંધાયેલ 41 પોલીસ ફરિયાદો પૈકી એકપણ કેસમાં હજુ આરોપીને સજા થઈ નથી. આ કાયદા અન્વયે ખાનગી વ્યક્તિની માલિકીની, જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ઉપર ગેરકાયદેસર કબજો મેળવી હડપ કરી જનાર ભૂમાફિયાઓ સામે ગાળિયો કસવામાં આવ્યો છે.

વળી આ કાયદામાં એક વિશેષ જોગવાઇ કરવામાં આવી છે કે સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં જિલ્લા કલેકટર અને રાજ્ય સરકાર આપમેળે સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. એકટ અન્વયે આવેલ અરજીનુ નિરાકરણ લાવવા દર 15 દિવસે કમિટી નિર્ણય કરે છે. જમીન માલિક દ્વારા જમીનના પૂરાવાઓ સાથે કાયદા અન્વયે જિલ્લા સમાહર્તાને અરજી કરવામાં આવે છે. જે અન્વયે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નિમાયેલ 7 સભ્યોની કમિટી અરજી પર વિચારણા કરે છે.

જો અરજદારની અરજી માન્ય રાખે તો આગામી 30 દિવસમાં જે તે પોલીસ મથકે અરજદારને પોલીસ કેસ કરવા હુકમ કરે છે. હાલ તમામ કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. કુલ અરજીઓ પૈકી 74 અરજીમાંથી 41 માં પોલીસ ફરિયાદના હુકમ થયા છે. જ્યારે 33 અરજીઓ અંગે હાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાન વાળી કમિટીમાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહીમાં વિલંબ
આ અંગે તાજેતરમાં લેન્ડગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ કરેલ નાગરિકનો સંપર્ક કરતા તેમને નામ નહીં લખવાની શરતે જણાવ્યુ હતુ કે, અમારી પારિવારીક જમીનમાં અન્ય વ્યક્તિઓએ જમીન પચાવી પાડતાં અમે કાયદા અન્વયે જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જે અરજી માન્ય રાખી પોલીસ ફરિયાદ કરવાનુ જણાવતાં ફરિયાદ નોંધાવી હતી.પરંતુ સમય ઘણો વિતી ગયા બાદ પણ હજી સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી,જેથી કાર્યવાહી કરાય તેવી માગ કરી છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં આ પ્રકારે થાય છે કાયદાકીય પ્રક્રિયા, દોષિત ઠરે તો 14 વર્ષ સુધી સજાની જોગવાઈ
આ કાયદા હેઠળ ન્યાય મેળવવા માટે જિલ્લા સમાહર્તાને પુરાવા સાથે અરજી કરવાની હોય છે. જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે. આ કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ 21 દિવસમાં નિર્ણય કરે છે. આ કાયદા અન્વયે દોષિત ઠરે તો 10 થી 14 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. આ કાયદો આવ્યા બાદ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

મોટાભાગના કેસમાં ચાર્જશીટ દાખલ, ચાલવાના બાકી
ખેડા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગના મોટાભાગના કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. નડિયાદમાં લેન્ડ ગ્રેબિંગની માત્ર એક જ કોર્ટ છે, જ્યાં લેન્ડ ગ્રેબિંગના કેસની સુનાવણી ચાલે છે. અહીં કેસનું ભારણ વધી જવાના કારણે હજુ સુધી કેસો ચાલવા ઉપર છે. આગામી સમયમાં નવા ન્યાયમૂર્તિ પણ આવી રહ્યાં છે. ત્યારબાદ પેન્ડીંગ કેસોનો ઝડપથી નિકાલ આવી જશે. - ઉમેશભાઈ ઢગટ, સરકારી વકીલ, નડિયાદ કોર્ટ

અન્ય સમાચારો પણ છે...