તપાસ:માણેકચોક પાછળ મલાઈ તળાવની જમીન પર ગેરકાયદે બાંધકામ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર દુકાનો બાંધીને ભાડે આપીને દૈનિક ભાડું વસુલાતું હતું. - Divya Bhaskar
નગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર દુકાનો બાંધીને ભાડે આપીને દૈનિક ભાડું વસુલાતું હતું.
  • તળાવો પર બાંધકામ કરી રૂપિયા ઓળવવાનું રેકેટ

નડિયાદના હાર્દ્સ વિસ્તારમાં આવેલા મલાઈ તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયુ છે. માણેકચોક અને ફાયરબ્રિગેડની પાછળ આવેલા મલાઈ તળાવમાં પાળની ભાગે ખોટી રીતે દબાણ કરી બાંધકામ કરાયુ હોવાની અરજી ત્રણેક વર્ષ પહેલા થઈ હતી. જેમાં લારીઓવાળાની લારીઓ અહીં મૂકવા દઈ તેનું દિવસનું 30 રૂપિયા ભાડુ લેવાતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યુ હતુ કે, અહીં રાત્રિના સમયે 50થી વધુ લારીઓ મુકે છે. જેનો હિસાબ કરતા લારીઓ મૂકવા દઈ વર્ષે તેના ભાડા તરીકે લાખો રૂપિયા એકઠા કરાય છે.

આ જગ્યાઓની આકારણીથી લઈ પાલિકાને ભાડુ ન ચુકવાતુ હોવાનું અરજદારે જણાવ્યુ છે. આ સંદર્ભની અરજીઓ અગાઉ થઈ હોવા છતાં પાલિકાની રહેમ નજર હેઠળ આ રેકેટ ચાલી રહ્યુ છે. વળી, તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કર્યાનું પણ અરજીમાં જણાવાયુ હતુ. જેને તોડી નાખવાના આદેશ પણ થયા હતા. છતાં મામલાને પાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી લેવાયો નથી. ત્યારે આ બાંધકામ કોના ઈશારે થયંુ અને લારીઓ મુકવાનું ભાડુ લઈ રૂપિયા ઓળવવાનું રેકેટ કોણ ચલાવી રહ્યુ છે. પાલિકા સામે અગાઉ પણ આ પ્રકારના આક્ષેપો થયા છે.

તમે કહ્યું ત્યારે બાબત ધ્યાન પર આવી છે, તપાસ કરીશું
શહેરના માણેકચોક પાછળ આવેલા મલાઈ તલાવડીમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણ બાબતે તમે કહ્યુ ત્યારે અમારા ધ્યાન પર આ બાબત આવી છે. સ્થળ પર શું સ્થિતિ છે, તે અમે જાણતા નથી. તેની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવીશુ. - રંજનબેન વાઘેલા, પ્રમુખ

પાલિકાની માલીકીની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દુકાન ઊભી કરી દેવામાં આવી છે
માણેકચોકમાં પ્રવેશ કરતાની સાથે જ પમ્પીંગ સ્ટેશન છે. આ પમ્પીંગ સ્ટેશનની જોડે નગરપાલિકાની માલિકીની જગ્યા હતી. અહીં દબાણકારો દ્વારા બાંધકામ કરી દેવાયુ છે. તેમજ બાંધકામ કર્યા બાદ તેને ભાડે આપી દેવાયુ છે. જ્યાં હાલ સાઉથ કોર્નર નામની દુકાન ચાલી રહી છે. આ દુકાન તોડી પાડવા પણ નિર્દેશ અપાઈ ગયા હોવા છતાં પાલિકા પ્રશાસનના પેટનું પાણી હલતુ નથી.

દબાણ તોડી પાડવાનો હુકમ પણ થયો છે
આ બાબતે અગાઉ અરજદારે નડિયાદ પાલિકાથી માંડી રાજ્યના મુખ્યમંત્રી અને પાલિકા સબંધિત વિભાગો તેમજ તકેદારી આયોગને અરજી કરી હતી. તેમજ તાત્કાલિક આ દબાણો હટાવવા માટે માગ કરી હતી. ત્યારે આ મામલે જે-તે સમયે તકેદારી આયોગ દ્વારા દબાણ તોડી પાડવા માટે નડિયાદ પાલિકાને હુકમ કરાયો હતો. તેમ છતાં પાલિકા દ્વારા તકેદારી આયોગના આદેશનું પાલન ન કરાયુ નથી. ત્યારે આ મામલે કાર્યવાહી કરાશે કે પછી ભીનું સંકેલી લેવાશે? તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...