ભારે વિમાસણ:સરકારમાં વેચે તો નિયમો અઘરાં, વેપારીને વેચે તો ભાવ ઓછા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની ઉપજની ગુણવત્તા વેપારીઓ પોતે જ નક્કી કરી નાંખે છે

સરકારે ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાકની ઉપજની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. પરંતુ તેના વેચાણ માટે જે નિયમો બનાવ્યા છે, તે ખેડૂતો માટે મુશ્કેલીભર્યા છે. બીજીતરફ વેપારીઓને સીધુ વેચાણ સરળ છે, પરંતુ ત્યાં ખેડૂતોને ભાવ ન મળતા હોવાનું જાણવા મળ્યુ છે.વરસાદના અભાવે ખેડૂતોને પાણીની ખાસ્સી તકલીફ પડી હતી. આ ઉપરાંત અન્ય પાકો તૈયાર થઈ ગયા હતા, તે સમયે સપ્ટેમ્બરમાં વરસાદે ધમધમાટી બોલાવતા પાકોનું ધોવાણ થતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વખત આવ્યો હતો.

ત્યારે હવે આ કમઠાણમાંથી માંડ બહાર નીકળેલા ખેડૂતોને વેચાણમાં પણ અનેક ખેડાણ કરવા પડશે. સરકારે ડાંગરનો ટેકાનો ભાવ 388 રૂપિયા નક્કી કર્યો છે, જ્યારે જ્યાં વેપારીઓ સીધી ખરીદી કરી રહ્યા છે, ત્યાં 280થી 300 રૂપિયાનો ભાવ પ્રતિ મણ આપી રહ્યા છે. સરકારમાં ટેકાના ભાવે કરવામાં આવતા વેચાણ બાબતે છણાવટ કરતા જાણવા મળ્યુ કે, ઓનલાઈન ફોર્મ ભરવુ, ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયતમાંથી જરૂરી દાખલા કઢાવવા, જમીનના જરૂરી દસ્તાવેજ રજૂ કરવા જેવી બાબતોમાં ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

બીજીતરફ વેપારી વર્ગ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે તે અંગે તપાસ કરતા જાણવા મળ્યુ કે, ખેડૂતોની ઉપજની ગુણવત્તા વેપારી પોતે જ નક્કી કરી નાખે છે, તે મુજબ ભાવ નક્કી કરે છે અને આ ભાવ સરકારે નક્કી કરેલા ભાવો કરતા ઘણા ઓછા હોય છે. જો કે, બંને જગ્યાએ કેટલાક હકારાત્મક પાસા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

મીલના સરેરાશ ભાવો મુજબ અમે ભાવ નક્કી કરીએ છે
ખેડૂતો પાસેથી માલ ખરીદીને અમારે જે-તે મીલમાં પહોંચાડવામાં ભાડુ, બારદાન, મજૂરી, દલાલીના પૈસા ખર્ચ કરવાના હોય છે. ઉપરાંત અમારા પ્રોફીટના 4થી5 રૂપિયા કાઢવામા આવે છે. મીલમાં દરેક ઉપજની એવરેજ કિંમત નક્કી કરી નાખવામાં આવેલી હોય છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી ભાવ નક્કી કરેલો હોય છે, જે મુજબ ખરીદી કરીએ છે. > સાકીર મન્સુરી, વેપારી

જમીન માલિક અલગ હોય તો મુશ્કેલી સર્જાય છે
અમારે વેપારીને જ વેચવાની મજબૂરી ઉભી થાય છે. ઉપરાંત કેટલાય કિસ્સામાં જમીન માલિક અલગ હોય છે અને ખેતી કરનારા ખેડૂતો બીજા હોય છે, તેવા સંજોગોમાં પંચાયતના દાખલા મેળવવામાં પણ સમસ્યા થાય છે. > રાજેશભાઈ પરમાર, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...