નડિયાદ તાલુકાના ગુતાલ ગામની પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ વરતાવવામાં આવતાં તેણીએ આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરસ્ત્રીના મોહમાં પતિએ પત્ની પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારતાં પીડિતાએ ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે.
નડિયાદ તાલુકાના ચલાલી વગડો શક્તિનગરમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન આજથી લગભગ 15 વર્ષ પહેલા ગુતાલ ગામે રહેતા યુવક સાથે જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ થયા હતા. બંનેનો લગ્ન સંસાર સારી સારી રીતે ચાલી રહ્યો હતો. આગળ જતાં પરિણીતાએ બે સંતાનોને પણ જન્મ આપ્યો હતો. જે પૈકી એક દીકરો હાલ 12 વર્ષનો છે અને બીજો દીકરો 7 વર્ષનો છે.
વર્ષ 2019થી તેના પીડિતાને તેના પતિનો સ્વભાવ બદલાયેલો જોવા મળ્યો હતો. ઘરનાં કામકાજ બાબતે તેમજ અન્ય નાની-મોટી બાબતોમાં તેણીની સાથે ઝઘડો કરી માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ બાદ સાસુ-સસરાએ પણ ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. આ મામલે લગ્ન કરાવનારા વચેટ શખ્સને પણ પીડિતાએ જણાવ્યું હતું તો આ વચેટ શખ્સે પણ તેનું સાંભળ્યું નહોતું. સાસરીયાં તેના પતિનું ઉપરાણું લઇ તેણીને શારિરીક-માનસિક ત્રાસ આપતા હતા. જો કે બે સંતાનોના ભાવિનું વિચારી પીડિતા આ તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી.
પીડિતાએ તપાસ કરતા તેના પતિને ગામમાં રહેતી મહિલા તળપદા સાથે પ્રેમસંબંધ હોવાથી તે તેણી સાથે આવું વર્તન કરતો હોવાનું સામે આવ્યું હતું. ગત 22 એપ્રિલના રોજ તેણીનો પતિ પરસ્ત્રી સાથે જતો રહ્યો હતો અને કુટુંબના માણસો તેમને બંન્નેને શોધી લાવ્યા હતા. આ બાબતે પીડિતાએ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પતિએ તેણીની સાથે ઝઘડો કરી ગળુ દબાવ્યું હતું અને હાથમાં ખંજર લઈ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે પીડિતાએ સાસુ-સસરાને વાત કરતા તેમણે પણ મારા દીકરાને ગમશે તે લાવશે તારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે તેમ કહેતા પીડિતા પોતાના બે દીકરાઓને લઈને પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. આ બાદ ભારે સમજાવટ પછી પણ તેણીના પતિ તથા સાસરીયાના લોકો માન્યા ન હતા. આથી આ અંગે પીડિતાએ પોતાના પતિ ભરત રમણભાઈ તળપદા, સસરા રમણ ગગાભાઈ તળપદા, સાસુ રમીલા તળપદા, કાકા સસરા મનુ ગગાભાઈ તળપદા, લગ્ન કરાવનાર વચેટ વ્યક્તિ ભગા કાન્તિભાઈ તળપદા અને પ્રેમ સંબંધ રાખનારી મહિલા રંજન સંજયભાઈ તળપદા (તમામ રહે. ગુતાલ, તા. નડિયાદ) સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 498A, 323, 504, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.