તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:નડિયાદના વેપારીનો વૃક્ષારોપણનો અનેરો શોખ, શહેરમાં જ્યાં સાનુકૂળ જગ્યા જુએ ત્યાં વાવી આવે છે વૃક્ષ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષ રોપવા માટે જરુરી સાધનો વેપારી પોતાની કારમાં જ રાખે છે
  • વર્ષ દરમિયાન એક હજાર જેટલા વૃક્ષોના રોપાનું વાવેતર કરે છે

આજે વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર ખેડા જિલ્લામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના એક 58 વર્ષીય વેપારીના અનોખા શોખે હજારો વૃક્ષોને જતન કરી ઉછેર કરે છે. જ્યાં સાનુકૂળ જગ્યા જોવે એટલે વૃક્ષોના રોપા તથા બીજ વાવી આવે છે. તો છેલ્લા એક માસથી તો આ વેપારીએ અનોખો પ્રયાસ કર્યો છે. ચાર રસ્તે લોકો મુકી આવતા માટીના માટલાઓને ભેગા કરીને તેમાં વૃક્ષોના છોડને વાવે છે અને જ્યાં જરૂર લાગે ત્યાં આ છોડને જમીનમાં રોપે છે.

નડિયાદ શહેરના પેટલાદ રોડ પર આવેલ સહકાર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય કૌશિકભાઈ હસમુખલાલ ગોરને નાનપણથી વૃક્ષો પ્રત્યે ઘણો લગાવ છે. કુદરત સાથેનો આ લગાવ તેમને જીવનમાં પ્રેરણા આપે છે. વર્ષોથી વેપાર અર્થે નડિયાદ સ્થાઈ થયેલા કૌશિકભાઈએ આજ દિન સુધી હજારો વૃક્ષોનું જતન કરી ઉછેર્યા છે. તેમના ઘર આંગણે જ નાના મોટા કુંડાઓમાં વિવિધ વૃક્ષોના છોડ વાવી નડિયાદ સહિત ખેડા જિલ્લામાં જ્યાં જરૂરીયાતવાળી જગ્યાએ જઈ રોપી આવે છે. આટલે થી એમનું કામ નથી અટક્યું પણ સમયાંતરે એ સ્થળ પર જઈને આ રોપેલા વૃક્ષની દરકાર પણ કરે છે. નવાઈની વાત તો એ છે કે વેપારી લાઈનના આ વ્યક્તિ પોતાની કારની ડેકીમાં જ પાવડો, કોદાળી અને વૃક્ષોને પાણી પાવવા માટેની વ્યવસ્થા રાખે જ છે.

વૃક્ષોની સાથે સાથે વૃક્ષોના બીજ પણ વાવે છે
કૌશિકભાઈ વૃક્ષો તો વાવે જ છે પણ તેની સાથે સાથે સમય મળે એટલે રોડ પર લટાર મારવા નીકળી પડે છે અને રોડની સાઈડમાં વિવિધ વૃક્ષોના બીજ વાવી આવે છે. અગાઉ તેમણે નડિયાદ મોડાસા રોડ, નડિયાદ ઉત્તરસંડા રોડ, નડિયાદ ખંભાત રોડ વિગેરે જગ્યાએ આંબા, આંબલી, ગરમાળો, જાંબુડા વિગેરેના બીજ વાવ્યા છે.

કૌશિકભાઈને તેમની માતાએ આ કામ કરવા પ્રેરણા આપી
કૌશિકભાઈ જ્યારે 8 વર્ષના હતા ત્યારથી જ તેમને વૃક્ષો વાવવાનો અને તકેદારીથી ઉછેર કરવાનો શોખ જાગ્યો હતો. તેમની માતા જશુમતીબેનની પ્રેરણાથી તેઓ આ કામ કરી રહ્યા છે. જે આજે પણ સતત ચાલી રહ્યું છે. તેમના ઘરે આશરે નાના મોટા થઈને 350 કુંડાઓમાં લીમડો, આંબો, મહુડો, બંધાઈ વડ, પીપળી બોરમલી વિગેરે વૃક્ષોના છોડ રોપ્યા છે. જે જરૂરીયાત મુજબ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વિનામૂલ્યે રોપી આવે છે.

વેસ્ટેજ માટલાં એકત્ર કરી વૃક્ષોના રોપા વાવવાની શરૂઆત
રોપા રોપતી વખતે પ્લાસ્ટિકની બેગ કાઢતી વખતે કેટલીક વખત માટી નીકળી જાય છે અને મુળીયા ચૂંથાઈ જાય છે. તો પ્લાસ્ટિક કોથળી સંગાથે રોપવામાં આવે તો રોપાના મુળને જરૂરી પોષણ ન મળી શકે. માટે આ સમસ્યાનું પણ નિરાકરણ કૌશિકભાઈએ લાવી દીધું છે. તેઓએ વૃક્ષોના રોપાને માટીના માટલાઓમાં વાવવાનો નિર્ણય કર્યો. પરંતુ આટલા બધા માટીના માટલાઓ લાવવા અશક્ય હતા. માટે તેમણે જ્યાં ચાર રસ્તા પર કે ત્રીભેટા રસ્તાઓ પર નાની મોટી માટલીઓ જોવે એટલે તે માટલાઓને લઈ લે અને ઘરે લાવી તેમાં માટી નાંખીને વૃક્ષના છોડ ઉછેર કરે છે. આજ દિન સુધી ઘરમાં આ રીતે 10થી 15 છોડનો ઉછેર કર્યો છે.

કૌશિકભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે હું RSSમાં છું અને મને અમારી નડિયાદ નેચર કલબ દ્વારા ઘણો સહયોગ મળ્યો રહ્યો છે. નડિયાદ જે. એન્ડ.જે. સાયન્સ કોલેજના બોટનીકલ ગાર્ડન સહિત નાની મોટી જગ્યાએ આ રોપાને સમયાંતરે રોપવામાં આવશે અને તેનું જતન કરવામાં આવશે. હાલ સુધી મે 35થી 40 માટલાઓ આ રીતે રસ્તા પરથી મેળવ્યા છે. અને તેમાં પ્લાન્ટ નાખવાની પણ કામગીરી ચાલુ છે. દર વર્ષે હજારો વૃક્ષો વાવું છું અને બીજ નાખી આવું છું. વધુમાં આગળ મારે દર વર્ષે ત્રણ સ્મશાનમાં હરીયાળી લાવવા વૃક્ષો ઉછેરવાનું પ્લાનીંગ છે.

અન્ય સમાચારો પણ છે...