મંત્રી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે:હર્ષ સંઘવીએ નડિયાદના હાઇ પર્ફોર્મન્સ સેન્ટરની મુલાકાત કરી, રમતવીરો સાથે ચર્ચા કરી તેમની જરૂરીયાત અને માંગની જાણકારી મેળવી

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના રમતવીરો દેશ-વિદેશમાં નામ રોશન કરે તે માટે તેમને સહાય આપવા સરકાર કટીબદ્ધ : મંત્રી
  • સંકુલમાં રહેતા રમતવીરોને કીટ આપી પ્રોત્સાહિત કરાયા, ખેલાડીઓના ભોજન ખર્ચની મર્યાદા વધારાઇ
  • કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ શુભેચ્છા મુલાકાત લીધી

આજે મંગળવારે વહેલી સવારે મંત્રી હર્ષ સંઘવી નડિયાદની મરીડા ભાગોળ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે આવ્યા હતા. ખેડા જિલ્લા પોલીસ દ્વારા મંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ સંકુલમાં આવેલ રમતના મેદાન, ઇન્ડોર રમતના સ્ટેડીયમ, આર્ચરી, સ્વીમીંગ, વોલીબોલ, કરાટે-જૂડો જેવી રમતો રમતા ખેલાડીઓની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે દેશનું શ્રેષ્ઠ સરકારી રમતગમત સંકુલ છે તેમ આજે રમત ગમત સંકુલની મુલાકાતે આવેલા રાજ્યકક્ષાના ગૃહ, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

હર્ષ સંઘવીએ ખેલાડીઓ સાથે ચર્ચા કરી ખેલાડીઓની જરૂરીયાતો અને માંગણીઓની જાણકારી મેળવી હતી. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ગુજરાત સરકારના રમત ગમત વિભાગના મોટાભાગના અધિકારીઓ અહિં મુલાકાતે આવ્યા છે. દરેક ગુજરાતીને રમતવીરો પ્રત્યે મોટી અપેક્ષાઓ છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રમતમવીરોને પ્રોત્સાહન મળે અને તેઓમાં રહેલી શક્તિઓ બહાર આવે એટલા માટે રમગ ગમત વિભાગને ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે. હજુ પણ રાજ્ય સરકાર રમતવીરોને પડતી તકલીફો દૂર કરી તેમને શ્રેષ્ઠ રહેવા, ખાવાની, કોચની અને સાધનોની સગવડતા પૂરી પાડવા કટીબદ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સાથે દિવ્યાંગ રમતવીરો માટે પણ સરકાર હજુ વધુ સગવડો ઉભી કરવા વિચારી રહી છે. ખેલ મહાકુંભે ગુજરાતના રમતવીરોને અલગ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેના કારણે રાજ્યના રમતવીરો દેશમાં અને વિદેશમાં સારી નામના મેળવી ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. વર્ષ 2002 પહેલાં ગુજરાતને રમત ગમત ક્ષેત્રે ખૂબ જ ઓછા પદકો મળતા હતા. પરંતુ વર્ષ 2022 પછી જોઇએ તો આજે એટલા બધા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પદકો આપણા રમતવીરો મેળવી રહ્યા છે તે ગર્વની વાત છે. ડાંગથી લઇ છેક કચ્છ સુધી ખેલ મહાકુંભના માધ્યમથી રમતવીરોના ટેલેન્ટને બહાર લાવવામાં આવ્યું છે.

ગ્રામ્ય કક્ષાએથી તાલિમ આપવામાં આવે છે. સમગ્ર દેશમાં ગુજરાતના રમતવીરોને શ્રેષ્ઠ પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ તેમની તમામ જરૂરીયાતોને સંતોષવામાં આવે છે. સારા કોચ, સારા ઇન્ફ્રાસ્ટ્રકચર, સારા સાધનો અને શ્રેષ્ઠ રહેવાની સાથે સાથે અભ્યાસની સગવડો પણ પુરી પાડવામાં આવી રહી છે. નડિયાદ સંકુલમાં રહેતા ખેલાડીઓની દૈનિક ભોજનની ખર્ચ મર્યાદા 360 રૂપિયાથી વધારી 480 રૂપિયા કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ વર્ષ 2022-27ની નવી સ્પોર્ટસ પોલીસીની માહિતી આપી હતી. તેમણે સરકારી સંકુલને સાચવવાની પણ ખેલાડીઓને હાકલ કરી હતી. મંત્રીએ પદક વિજેતા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી.

ઉપરાંત આરજે હર્ષિલ સાથે દેશ-વિદેશમાં નામના મેળવનારા રમતવીરોનો વાર્તાલાપ યોજાયો હતો. જ્યારે પ્રાસુ જૈને રાજ્ય સરકારના રમત ગમત વિભાગની વિગતો આપી હતી. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, માતરના ધારાસભ્ય, અજય બ્રહ્મભટ્ટ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, રમત ગમત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સિનીયર કોચ, રમત ગમત અધિકારી, વિવિધ રમતોના કોચ અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...