સરકાર દ્વારા સંસ્કૃત ભાષા અને પ્રાચીન ગ્રંથોનું જનત થાય, આપણી પરંપરા અને સંસ્કૃતિ જળવાય રહે તેવા પ્રયાસોના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતુ હોય છે. પ્રતિવર્ષ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ શાસ્ત્રોક્ત સ્પર્ધાઓનું આયોજન થાય છે.
આ વર્ષે વેદિક સંકુલ ભરૂચ ખાતે રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના 17 વિદ્યાર્થીઓ પૈકી 11 વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ પ્રદર્શન કરી સફળતા પ્રાપ્ત કરી હતી. જે બાદ આ વિદ્યાર્થીઓ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં એક સુવર્ણ, બે રજત મળી કુલ 3 ચંદ્રક પ્રાપ્ત કરી વિધ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને નડિયાદનું ગૌરવ વધાર્યું છે.
સંસ્થાના પ્રધાનાચાર્ય ડો.અમૃતલાલ ભોગાયતાએ જણાવ્યું હતું કે કર્ણાટકના બેંગલોર ખાતે દેશના 22 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ સંસ્કૃત સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. જેમાંથી નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના શિવમ યોગેશભાઈ જોષીએ શ્લોક અંતાક્ષરી સ્પર્ધા માં ભારતભરમાં પ્રથમ ક્રમાંક અને ધર્મશાસ્ત્ર ભાષણમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે પુરાણેતિહાસશલાકામાં આદિત્ય હસમુખભાઈ ઉપાધ્યાયે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી જળહળતી સિદ્ધિ મેળવી હતી.
આમ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના 2 વિધાર્થીઓએ 3 ચંદ્રક મેળવ્યા હતા. આ તમામ ઋષિકુમારો પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના સાનિધ્યમાં શાસ્ત્રોનું મનન અને ચિંતન કરતા તૈયાર થયા છે. અનેરી સિદ્ધિ માટે આર્ષદ્રષ્ટા પદ્મશ્રી, ડો. ડાહ્યાભાઈ શાસ્ત્રી દ્વારા આશીર્વાદ તેમજ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો.અમૃતલાલ ભોગાયતા દ્વારા તથા અધ્યાપકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.