તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:નડિયાદમાં સતત 22માં વર્ષે યોજાયું હરિયાળી ક્રાંતિનું મહાઅભિયાન, 30 લાખ રોપાનું વિતરણ કરવાનું આયોજન

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ સો મીલ ઓનર્સ એસોસિએસન દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયા

નડિયાદ સો મીલ ઓનર્સ એસોશીએશન આયોજીત વિનામૂલ્‍યે રોપ વિતરણનો કાર્યક્રમ વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્‍યુ હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એસોસિએશન અને ફોરેસ્‍ટ ખાતા દ્વારા વિનામૂલ્‍યે રોપ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. નડિયાદ સો મીલ એસોસિએશન છેલ્‍લા 21વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરે છે અને ચાલુ વર્ષે આ 22મો કાર્યક્રમ છે.

સમગ્ર ગુજરાતમાં ગ્રીનરીની દ્રષ્‍ટ્રિએ ખેડા જિલ્‍લો આગવી હરોળમાં આવે છે તેમાં આ એસોશીએશનનું પણ બહુમૂલ્‍ય યોગદાન છે. માનવ જીવનમાં વૃક્ષોનું બહુમૂલ્‍ય યોગદાન છે. ચાલુ વર્ષે 30 લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવે તો સમગ્ર જિલ્‍લો હરીયાળો થઇ શકે છે. આવનારા સમયમાં નડિયાદમાં પણ જયાં જયાં વૃક્ષોનો ઉછેર કરવાની શકયતાઓ છે તેવી જગ્‍યાઓએ તેમજ સોસાયટીઓમાં 10 હજાર જેટલા વૃક્ષો ઉછેરી તેનું જતન કરવાનું આયોજન છે. અંતમાં તેમણે જણાવ્‍યું હતું કે, "ગ્રીન નડિયાદ, કલીન નડિયાદ"ના સૂત્રને સાર્થક કરીએ. આ પ્રસંગે સ્‍વામી મુદિતવંદનાનંદજી તથા ખેડા જિલ્‍લા વન અધિકારી કરુપ્‍પાસ્‍વામીએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત ટીમ્બર મર્ચન્‍ટ ફેડરેશનના પ્રમુખ મનસુખભાઈએ સૌનું સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ બાદ નડિયાદ સો મીલના પ્રમુખ પરષોત્તમભાઇ એ સો મીલ એસોશીએશન દ્વારા કરવામાં આવેલી કામગીરીની જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવો તરફથી કાર્યક્રમના સ્‍થળે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું તેમજ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. આભાર દર્શન મહામંત્રી રવિન્‍દ્રભાઇએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડા, ઉપપ્રમુખ કિન્‍તુભાઇ, મંજીપુરાના સરપંચ પ્રવિણ પટેલ, કમળાના સરપંચ નટવરસિંહ સોલંકી તથા મોટી સંખ્‍યામાં પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...