કારોબારી બેઠક:ખેડા જિલ્લાની તમામ બેઠક પર આવતા વર્ષે કમળ ખીલે તે માટે ગોરધન ઝડફિયાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરોએ સંગઠનની જવાબદારી સુપેરે નિભાવવી પડશે: ગોરધન ઝડફિયા

ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક આજે નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના સભાખંડમાં મળી હતી. આજની આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી સહિત ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ગોરધન ઝડફિયાએ કાર્યકરોને માર્ગદર્શક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આવનારું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે કાર્યકરોએ સંગઠનની જવાબદારી સુપેરે નિભાવવી પડશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત વિધાનસભાની 182માંથી 182 બેઠકો પર ભાજપનું કમળ ખીલે તેવો સંકલ્પ લીધો છે, ત્યારે ખેડા જિલ્લાની પણ તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બને તેની જવાબદારી જિલ્લા ભાજપની છે. તે લક્ષ્ય પાર પાડવા કાર્યકરો અને હોદ્દેદારોને પેજ કમિટી અને શક્તિકેન્દ્રોની ભૂમિકા મહત્વની બની રહેશે.

આ બેઠકમાં પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત ડી ડી યુનિ. નડિયાદના વાઈસ ચાન્સેલર ર્ડો. હર્ષદ એમ.દેસાઈ પ્રત્યે સન્માનનો ભાવ વ્યક્ત કરાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.જિલ્લા ભાજપ આઈ ટી ટીમે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલ શાહે રાજકીય પ્રસ્તાવ રજૂ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોરોના સામેની લડતમાં રસિકરણના કાર્યના નોંધપાત્ર લક્ષ્યાંકને બિરદાવ્યો હતો. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ખેડા જિલ્લામાંથી ખેડાના કર્મઠ રાજનેતાઓ દેવુસિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રી મંડળમાં,અર્જુનસિંહ ચૌહાણને રાજ્ય મંત્રી મંડળમાં અને પંકજભાઈ દેસાઈને પૂનઃ મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરાતા ખેડા જિલ્લાનું ગૌરવ વધ્યું છે.તે બદલ ખેડા જિલ્લા ભાજપ કારોબારીએ પક્ષના શીર્ષથત નેતૃત્વનો આભાર માન્યો છે.

આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે હર ઘર દસ્તક કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમાં કાર્યકરો ધ્વારા ધરે ઘરે જઈને રસીક૨ણ અંગેની ચકાસણી કરવા ઉપરાંત પેજ સમીતીના કામને પુરૂ કરવાનું વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવશે.

આજની આ બેઠકમાં પ્રદેશ ભાજપ મંત્રી જાહન્વી વ્યાસ, જિલ્લા સહ પ્રભારી શકુન્તલા મહેતા, બિન અનામત આયોગના ઉપાધ્યક્ષ વિમલ ઉપાધ્યાય,માતરના ધારાસભ્ય , પૂર્વ સાંસદ ર્ડો. કે. ડી.જેસવાણી,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,મણીભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી વિકાસ શાહ, અજય બ્રહ્મભટ્ટ, નટુભાઈ સોઢા અન્ય હોદ્દેદારો, મંડળના હોદેદારો મોરચા અને આઈ.ટી સેલના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...