તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદના જલાશ્રય રિસોર્ટમાં ગોરખધંધા રૂમ નં. 310માંથી 11 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નડિયાદ LCBએ બાતમીના આધારે રેડ પાડી મેનેજર સામે ગુનો નોંધ્યો

નડિયાદ જલાશ્રય રિસોર્ટમાંથી વિદેશી દારૂ ઝડપાતા શહેરભરમાં અનેક ચર્ચાઓ જાગી છે. નડિયાદ LCBની ટીમે મોડી રાત્રે રિસોર્ટમાં દરોડા પાડી રૂમોની તલાસી લેતા 310 નંબરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળતા પોલીસે રિસોર્ટ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

નડિયાદમાં હાઈ પ્રોફાઈલ રિસોર્ટ તરીકે વિકસીત થયેલો જલાશ્રય રિસોર્ટ ફરી એકવાર વિવાદનું મૂળ બન્યો છે. શહેરના ડભાણ રોડ સ્થિત જિલ્લા સમાહર્તાની ઓફિસ સામે આવેલા રિસોર્ટમાં નડિયાદ LCBએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે 9 વાગ્યા બાદ LCBની ટીમે રિસોર્ટમાં ત્રીજા માળે જઈ રૂમ નં. 301થી 310ની તપાસ કરતા 310 નંબરની રૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે ત્યાં હાજર જવાબદારની પૂછપરછ કરતા નરેન્દ્રસિંહ કરણસિંહ રાઠોડ (મૂ.રહે. ઉદેપુર, રાજસ્થાન, હાલ રહે. રૂમ નં. 308, જલાશ્રય રિસોર્ટ, નડિયાદ) અને પોતે રિસોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે રૂમ નં. 310માંથી ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની 11 નંગ બોટલની કિંમત 2590 ગણી કુલ 3590રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસે રિસોર્ટના મેનેજર સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

શું છે રૂમ નં.310નું રહસ્ય?
નડિયાદ શહેરના જલાશ્રય રિસોર્ટમાં 11 બોટલો સાથે ફક્ત મેનેજર પકડાતા અનેક રહસ્યો ઉભા થયા છે. શું મેનેજર પોતાના માટે આ 11 બોટલ વિદેશી દારૂ લાવ્યો હતો? રેઈડ પડી ત્યારે માત્ર મેનેજર એકલો જ હાજર હતો? કે અન્ય વધુ લોકો પણ હાજર હતા? તેની તપાસ થાય તે જરૂરી છે.

અગાઉ રિસોર્ટ માલિક પાસે એસીબીની તપાસમાં 8 કરોડની બેનામી સંપતિ મળી હતી
જલાશ્રય રિસોર્ટના માલિક ધીરુભાઈ ગગાભાઈ શર્મા પાસે નવેમ્બર-2020માં એ.સી.બી. તપાસ દરમિયાન 8 કરોડ 4લાખ રૂપિયાની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી. જેથી તેમની સામે આણંદ એ.સી.બીમાં આવક કરતા વધુ સંપતિનો ગુનો નોંધાયો હતો. ધીરુભાઈ આણંદમાં જમીન વિકાસ નિગમ લી.ના ફિલ્ડ આસીસ્ટન્ટ કર્મચારી હતા. પોતાની ફરજ દરમિયાન અપ્રમાણસર મિલ્કત એકત્ર થઈ હોય તપાસ કરતા આ રિસોર્ટ પણ ભ્રષ્ટાચારની આવકમાંથી બન્યો હોવાની ચર્ચા ચાલી હતી. જો કે, આ બાબતની તપાસ હજુ ચાલી રહી છે. દરમિયાન રિસોર્ટમાં પોલીસની રેઈડ પડતા ફરી એકવાર આ રિસોર્ટ ચર્ચામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...