નડિયાદ ધર્માંતરણનું એપી સેન્ટર:ગોધરા પોલીસના સાક્ષર નગરીમાં તપાસાર્થે ધામા

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેમાણી પરિવારને હિન્દુ ધર્મમાં પાછા લાવવા ગોધરાના રામજી મંદિરમાં શુદ્ધિકરણ કરાયું - Divya Bhaskar
ખેમાણી પરિવારને હિન્દુ ધર્મમાં પાછા લાવવા ગોધરાના રામજી મંદિરમાં શુદ્ધિકરણ કરાયું
  • સ્ટિવન મેકવાનની 2 કલાક સઘન પૂછપરછમાં ફન્ડિંગ સહિતના મુદ્દે નિવેદન લેવામાં આવ્યા

ગોધરામાં બહાર આવેલ ધર્માતરણ પ્રકરણમાં પોલીસ તપાસ નડિયાદ પહોંચી છે. નડિયાદની સેવ ધ સોલ રિસ્ટોરેશન રિવાઈવલ નામની સંસ્થાના સ્ટિવન મેકવાન અને અન્ય લોકો દ્વારા ગોધરામાં સિંધી પરિવારને હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સ્ટિવન અને તેની સંસ્થા ને લગતી બાબતો જાણવા ગોધરા પોલીસે આજે નડિયાદમાં ધામા નાખ્યા હતા. બીજી તરફ ગોધરામાં પણ સિંધી સમાજના લોકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવી ખોટા પ્રલોભનો આપીને દેવી શક્તિની કૃપા થશે અને સારી જીંદગી જીવવા મળશે, તેવી લાલચ આપીને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદે રીતે ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ધર્માતરણ મામલે ગોધરા એસ.ઓ.જી પોલીસે આજે નડિયાદમાં ધામાં નાખ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અશોકનગર સોસાયટી પાસે ગંગા ભવન, સોસાયટીમાં રહેતા સ્ટિવન ભાનુભાઈ મેકવાનના ઘરે પોલીસ પહોંચી હતી. જ્યા 2 કલાકથી વધુ સમય પુછપરછ હાથ ધરી હતી. જેમાં સ્ટિવન મેકવાન અને તેની સંસ્થા સાથે જોડાયેલ લોકો અંગે વિગતો મેળવવા ઉપરાંત સેવ ધ સોલ રિસ્ટોરેશન રિવાઈવલ નામની સંસ્થા કેટલા સમયથી ચાલી રહી છે? સંસ્થાની મુખ્ય કામગીરી શુ છે? સંસ્થાને કેવી રીતે અને ક્યાંથી આર્થિક સહાય મળે છે? અને તેઓ તે નાણાનો ક્યા અને કેવીરીતે ઉપયોગ કરે છે? તેવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટિવનની સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમનું લિટરેચર અને ફોટા પણ પોલીસે મેળવ્યા હતા. જે તમામ કાગળો લઇ ગોધરા એસ.ઓ.જી તપાસ અધિકારીને રિપોર્ટ સુપરત કરવાની છે. મહત્વની વાત છે કે નડિયાદથી ચાલતી આ સંસ્થામાં સ્ટિવન ઉપરાંત અન્ય ઘણા લોકો સંકળાયેલા હોઈ ગોધરા પોલીસને નડિયાદમાં ટુંક સમય માટે રોકાવું પડે તો નવાઈ નહી.

લોભ લાલચથી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે : સિંધી સમાજનો આક્ષેપ
ધર્મ પરિવર્તન મામલે ગોધરા હિન્દુ સંગઠન અને સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સિંધી સમાજના આગેવાનો ચીનુભાઇ ધારસીયાણી, મુરલી મુલચંદાની સહિતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ગોધરા રેન્જ આઇજીને લેખિતમાં રજૂઆત કરી હતી. હિન્દુ ધર્મની લાગણી દુભાવી ખોટા પ્રલોભનો આપીને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદે રીતે ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ સોસાયટી માં પ્રતિક ખીમાણી તથા તેના પરિવારના સંપર્કમાં “સેવ ધ સોલ રિસ્ટોરેશન રિવાઈવલ, નડિયાદ નામની સંસ્થા આવેલી છે. જે સંસ્થાના પ્રમુખ કાર્યકર્તા સ્ટિવન ભાનુભાઈ મેકવાન કે જે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરે છે. તેઓ તેમની સાથે સંસ્થાના અન્ય સભ્યો સાથે ગત સપ્ટેમ્બર માસમાં પ્રતિક ખીમાણીના ઘરે આવેલા અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે વિવિધ પ્રકારની વિધિઓ કરેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગેની માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ પરિવારના વિધિ અંગે ના ફોટા તથા વીડિયો ગોધરા શહેરમાં વાયરલ થયા બાદથી સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

અમે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષાયા હતા પરંતુ ધર્માંતરણ કર્યું નથી : ખિમાણી
નડિયાદના સ્ટિવન મેકવાન સહિતનાઓએ ગોધરામાં જેનું ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું મનાય છે તે સિંધી સમાજના પ્રતિક ખીમાણીએ ગુરૂવારે જણાવ્યું હતુ કે અમે ધર્મ પરીવર્તન કર્યું નથી. અમે હિન્દુ છીએ અને હિન્દુ જ રહીશું. હા, અમે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષિત થયા હતા પણ અમે ધર્મ પરિવર્તન કર્યુ નથી અને કોઇને ધર્મ પરિવર્તન કરવા ઉશ્કેર્યા નથી. અમે આજે પણ હિન્દુ છીએ અને હિન્દુ રહેવાના છીએ તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...