નવરાત્રીનો પ્રારંભ:પહેલા નોરતે ખેડા જિલ્લામાં માતાજીના મંદિરોમાં વિશિષ્ટ પૂજન સાથે જવારાનું ઘટ સ્થાપન કરાયું

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી નવ દિવસ સુધી મા જગદંબાની ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કરી ગરબા ગવાશે

આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગયા વર્ષે કોરોના આ તહેવારમાં બાધા રૂપ બન્યો હતો. પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ સામાન્ય થતાં સરકારે શેરી ગરબાને છુટ આપતાં ખેડા જિલ્લામાં ગરબા આયોજકોએ પોતાની સોસાયટીમાં, પોળ તેમજ મહોલ્લામાં આયોજન કર્યું છે. જ્યારે જિલ્લાના વિવિધ માઈ મંદિરોમાં પણ આ નવરાત્રીને લઈ ઉત્સાહ જોવા મળ્યો છે. વિવિધ મંદિરોમાં આજે વિધિવત જવારાનું ઘટ સ્થાપન થયું છે.

ગુરૂવારથી આસો નવરાત્રીનો નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં થનગનાટ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. તેમાં આસો નવરાત્રીનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. ગત વર્ષે કોરોના કારણે આ તહેવાર પર ગ્રહણ લાદ્યુ હતું. પરંતુ આ વર્ષે સ્થિતિ સામાન્ય થતાં સરકારે શેરી ગરબાઓને છુટ આપી છે. જેના કારણે શેરી આયોજકોમાં એક ઉમળકો જોવા મળી રહ્યો છે. નવરાત્રી પર્વને લઈને આયોજકો પોતાની સોસાયટી, મહોલ્લા અને પોળ વિસ્તારોમાં લાઈટીંગ, ડેકોરેશન સહિતની કામગીરી કરી અનોખા સાજ શણગાર કર્યો છે.

માઈ મંદિર નડિયાદ
માઈ મંદિર નડિયાદ

નડિયાદ સુપ્રસિદ્ધ માઈ મંદિરમાં આસો નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સરકારીની કોવિડની ગાઈડ લાઈન અનુસાર શ્રી માઈ ધર્મા આધ્ય પીઠસ્થાન, માઈ મંદિર નડિયાદ ખાતે આસો નવરાત્રીનું આયોજન થયું છે. પ્રથમ દિવસે મંદિરમાં માની મંગળા આરતી થશે. જે બાદ ગર્ભગૃહમાં જવારાનું ઘટ સ્થાપન થશે. રાત્રે ગરબા ગાવવામાં આવશે. 5માં નોરતે લલીત પંચમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે મુખ્ય મંદિરમાં વંશપરંપરાથી પ્રસ્થાપિત શ્રી યંત્ર પર કુમકુમ અર્ચન કરી પૂજા કરાશે. આજ દિવસે સાંજે પ્રસાદી પણ આપવામાં આવશે. સાથે સાથે દરરોજ થતાં ગરબા કરતા આ દિવસે લાલ વસ્ત્રો ધારણ કરી મહિલા, દિકરીઓ ગરબા રમશે. નવરાત્રિ પર્વ નિમિત્તે એકમથી નોમ સુધી માતાજીના જુદા જુદા સ્વરૂપના દર્શન થશે. છેલ્લા દિવસે માતાજીને અન્નકૂટનો ભોગ લગાવાય છે.

અંબા આશ્રમ
અંબા આશ્રમ

નડિયાદ અંબા આશ્રમમાં પણ આવતીકાલથી નવરાત્રીનો પર્વ ઉજવાશે, અંબા પ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં આ પર્વ ઉજવાશે. સવારે ઘટ સ્થાપનશ, જવારાનું સ્થાપન કરવામાં આવશે અને બાદમાં પૂજા કરવામાં આવશે. આ સંપૂર્ણ ધાર્મિક કાર્યક્રમ કોરોનાની ગાઈડ લાઈન સાથે ઉજવાશે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં યુવાધન શેરી ગરબામાં હિલોળે ચડશે, ગરબે રમવા ગરબા રસીકો આતૂર

નડિયાદ, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા સહિતના તાલુકા મથકોએ શેરી ગરબાની રમઝટ જામશે. આ વખતે પાર્ટી પ્લોટમાં ગરબા ન થતા હવે ગરબા રસીકો પાસે એક માત્ર વિકલ્પ રહ્યો તે છે શેરી ગરબા માટે ઘર આંગણે થતાં શેરી ગરબાઓ આ વખતે જામશે તેવુ ગરબા આયોજકો જણાવી રહ્યા છે.

નડિયાદ કૃષ્ણનગર ખાતે ગરબાના આયોજકોએ બાળકોના સ્વાસ્થ્યને લઈને ગરબાનું આયોજન રદ કરી સમાજને સંદેશો આપ્યો છે.

નવરાત્રી પર્વમાં ચાલુ વર્ષે આમ તો સરકારે શેરી ગરબાની છુટ આપી છે. પરંતુ હજુ કોરોના ગયો નથી, સંભવિત ત્રીજી લહેરના એંધાણ હોવાથી અને તેમાં ખાસ કરીને બાળકોમાં જોખમ ઊભું ન થાય તે માટે નડિયાદ પશ્ચિમમાં કૃષ્ણનગર ખાતે વર્ષોથી થતાં ગરબા આ વખતે પણ રદ કર્યા છે. અહીંયા કાર્યરત ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે તો સરકારે છુટ આપી નહોતી અને આ વખતે માત્ર શેરી ગરબાની છુટ છે. તેવામાં પણ કેટલાક શેરી ગરબાઓએ સ્વૈચ્છિક રીતે આયોજન કર્યું નથી. જે સરાહનીય બાબત કહી શકાય છે. આ અંગે આયોજક મિત્તલ વ્યાસ, રૂચીર પટેલ અને સમસ્ત ફ્રેન્ડસ ગ્રુપ જણાવે છે કે ત્રીજી લહેર પ્રસરે નહી અને ખાસ કરીને હજુ બાળકોને વેક્સિનેશન બાકી હોવાથી અમારા ગ્રુપે આ નિર્ણય લીધો છે. અહીંયા મહિલાઓ, યુવાન-યુવતીઓની સાથે સાથે બાળકો પણ આવે છે માટે તેમના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

જિલ્લામાં નવરાત્રી પર્વને અનુલક્ષીને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

નવરાત્રી પર્વને ધ્યાને રાખી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં DYSP 2, PI 13, PSI 40, પોલીસ જવાનો 1000 અને હોમગાર્ડ 700 જવાનો 9 દિવસ ખડે પગે રહેશે.

અન્ય સમાચારો પણ છે...