• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad's Daughter Gets Rs. After Demanding Rs 10 Lakh And Being Evicted From The House, Parineeta Resorted To The Police To Seek Justice

દહેજનો કંકાસ:નડિયાદની દીકરીને સાસરીવાળાઓએ રૂ. 10 લાખની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી, પરિણીતાએ ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંકા લગ્ન જીવનમાં દહેજના કંકાસે આગ ચાંપતા બે પરિવારો વચ્ચે મતભેદ થયા
  • પોલીસે આઈપીસી 498A, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધ્યો​​​​​​​

નડિયાદની એક દીકરીએ દહેજના કંકાસથી ત્રાસી સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ખૂબ જ ટૂંકા લગ્નજીવનમાં દહેજના કંકાસે આગ ચાંપતા બે પરિવારો વચ્ચે મતભેદ થયા છે. જેમાં સાસરીવાળાઓએ રૂપિયા 10 લાખ દહેજ પેટે માંગણી કરી હતી, જોકે પરિણીતાએ આ દહેજની માંગણી ન સંતોષતાં તેણીની સાથે મારઝૂડ કરી તેણીને ઘરની બહાર તગેડી મૂકવામાં આવી હતી. આથી પરિણીતાએ ન્યાય મેળવવા પોલીસના દ્વાર ખખડાવ્યા છે. નડિયાદ પિયરમાં આવી પરિણીતાએ પોતાના પતિ, સાસુ, નણંદ-નણદોઈ અને દાદા સસરા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદમાં રહેતી 27 વર્ષિય યુવતીના લગ્ન પોતાના સમાજના રીતી રીવાજ મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં વર્ષ 2019માં થયા હતા. લગ્ન બાદ લગભગ એક માસ જેટલું તેણીની સાથે સારો વ્યવહાર રાખી અને પછી જમવાનું બનાવવાથી માંડી અનેક બાબતોને લઈને ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા હતા.

તેણીનો પતિ બગીનો વ્યવસાય કરતો હોવાથી આખો દિવસ ધંધામાં રચ્યો પચ્યો રહેતો અને તેણીને સમય આપતો નહોતો. તને જમવાનું બનાવતાં નથી આવડતું તેમ કહી તેણીનો પતિ પણ તેના પર માનસિક ત્રાસ આપતો હતો. તેણીની સાસુ તેના પતિને ખોટી કાનભંભેરણી કરતી હતી. તો વળી નણંદ અને નણદોઈ જમવાનું બનાવવા બાબતે મહેણા-ટોણાં મારતાં હતા. જ્યારે તેણીના દાદા સસરા ખોટી ચઢામણી કરતા હતા.

વાત આટલેથી નહીં અટકતાં આ તમામ લોકોએ જણાવ્યું હતું કે તારા પિતા SRPમાં નોકરી કરે છે, તો તારા ત્યાંથી રૂપિયા 10 લાખ લઈ આવ. અમારે અહીંયા બીજી બગી અને ઘોડા લાવવાના છે. પરંતુ પીડીતાના પિતા નિવૃત્તિનું જીવન ગાળતા હોય આટલી મોટી રકમ કઈ રીતે લાવી શકે તે સમજાવતાં સાસરીવાળાએ ઉશ્કેરાઈ જઈ તારે અહીંયા રહેવું હોય તો નાણાં આપવા પડશે તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પરિણીતાને ઘરની બહાર તગેડી મૂકી હતી.

જેથી પીડીતા પોતાના પિયરમાં આવી હતી. તેણીના પિતાએ પોતાની દીકરીનું ઘર સંસાર બગડે નહી તે માટે તેના સાસરીવાળાને સમજાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ તે લોકો માન્યા નહોતા. તેમજ ગમેતેમ ગાળો બોલી અપમાનિત કરી દીકરીના પિતાને પણ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આથી ન્યાય મેળવવા પીડીતાએ નડિયાદ મહિલા પોલીસ મથકે અરજી આપી હતી.

જેથી પરિણીતાએ પોતાના પતિ રાકેશ મફતભાઈ તળપદા, સાસુ જશોદાબેન મફતભાઈ તળપદા, નણંદ કોમલ નિમેશભાઈ વાઘેલા, નણદોઈ નિમેશ સુરેશભાઈ વાઘેલા અને દાદા સસરા રમણભાઈ મંગળભાઈ લાખાણી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498A, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...