સામાન્ય સભા:ખેડા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ પક્ષ દ્વારા 3 ગામોમાં રેન્ડમલી તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું, ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ પક્ષ રજૂઆત કરશે

આવતીકાલે યોજાનાર ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વધુ એક કૌભાંડ બહાર આવનાર છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા નિર્મળ ગામ યોજના બાબતની માહિતી એકત્ર કરી હતી. જે યોજનામાં માતર તાલુકામાં 1,111 શૌચાલય બનાવવામાં આવ્યા છે. જે વ્યક્તિને શૌચાલય ફાળવવામાં આવ્યા છે, તેની તપાસ કરતા ઘણા બધા શૌચાલય કાગળ પર જ બની ગયા હોવાની ચોકાવનારી માહિતી મળી આવી છે. જે બાબતે વિરોધ પક્ષ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરશે.

ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાબુભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે માતર તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિર્મળ ગામ પ્રોજેક્ટ અંતર્ગત 1,111 શૌચાલય બનાવવામાં આવ્યા છે. જે બાબતે તેઓએ માહિતી માંગતા લાભાર્થીઓના નામ સરનામા સાથેની વિગતો આપવામાં આવી હતી. જે પૈકી 3 ગામોમાં રેન્ડમલી ચકાસણી કરતા સાચા લાભાર્થીઓ ને શૌચાલય મળ્યા નથી, અને કેટલીક જગ્યાઓ પર કાગળ પર જ સૌચાલયો બની ગયા હોવાનું બહાર આવ્યું છે.

માછીયેલ ગામમાં 46 શૌચાલય મંજુર કરવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 04 લાભાર્થીઓને શૌચાલય નો લાભ મળ્યો છે, જ્યારે 42 શૌચાલય કાગળ પર બની ગયા છે. ખુદ વિરોધ પક્ષના નેતાના ગામમાં સિસોદિયા જગતસિંહ રણજીતસિહ નામના વ્યક્તિને શૌચાલય ફળવાયું છે, પરંતુ આવો કોઈ વ્યક્તિ ગામમાં રહેતો જ નથી. જ્યારે માતર ગામમાં 11 સૌચાલયો પૈકી દૂધ મંડળીના કર્મચારી, પંચાયત કર્મચારીને શૌચાલય ફાળવાયા છે, પરંતુ તેઓની તપાસ કરતા આવા કોઈ કર્મચારી મળી આવતા નથી. આમ, મોટાભાગના સૌચાલયો કાગળ પર બનાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવા બાબતે વિરોધ પક્ષ આવતીકાલની સામાન્ય સભા ગજવશે તેમ બાબુભાઈ સોલંકીએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...