હોબાળો:ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોરોનાના મૃત્યુઆંક મામલે વિપક્ષે તડાપીટ બોલાવી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાવાર આંકડો 48 જ્યારે કોંગ્રેસે જણાવ્યું કે અમારા સર્વે પ્રમાણે જિલ્લામાં 1700 જેટલા કોવિડમાં મૃત્યુ પામ્યા છે
  • 15માં નાણાપંચ અંતર્ગત 11 કરોડના કામો મંજૂર કરાયા

ખેડા જિલ્લા પંચાયતની આજે મળેલી ખાસ ત્રિમાસિક સામાન્ય સભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ બન્ને કોરોનાના મૃત્યુ આંકને લઈ આમને સામને આવી ગયા હતા. ખેડા જિલ્લામાં સરકારી આંકડા મુજબ કોરોનામાં માત્ર 48 મોત થયાનું જણાવ્યું છે. જ્યારે કોંગ્રેસે જિલ્લામાં કાઢેલી ન્યાય યાત્રામાં 1700થી વધુ વ્યક્તિઓ કોરોનામાં મૃત્યુ થયા હોવાનું તેઓએ કરેલ સર્વેમાં જણાવ્યું છે. જે બાબતને લઇ વિપક્ષના સભ્યોએ આરોગ્ય તંત્ર મૃત્યુ આંક શા માટે છૂપાવે છે તેવો પ્રશ્ન ઉભો કરતા સભામાં ગરમાવો આવી ગયો હતો. આ સભામાં વિપક્ષ દ્વારા ત્રણ મુદ્દાઓને લઈને સત્તાધારી પક્ષને બાનમાં લેવાનો પ્રયાસ થયો હતો. જોકે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખે પોતાની વાત છટાથી સભ્યોને શાંત પાડવા પ્રયત્ન કર્યા હતા.

ખેડા જિલ્લા પંચાયતની દર ત્રણ માસે બોલાવવામાં આવતી સામાન્ય સભા સોમવારે જિલ્લા પંચાયતના સભાખંડમાં બપોરે 1:00 વાગે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તેમજ વિવિધ શાખાના પદાધિકારીઓ જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્યો વગેરે હાજર રહ્યા હતા.

આ સભામાં એજન્ડા મુજબના કામ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રશ્નોત્તરી વિભાગમાં વિપક્ષના સભ્ય પર્વતસિંહ, રાજેશભાઈ ઝાલા તેમજ બાબુભાઈ સોલંકીએ વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વિપક્ષના પર્વતસિંહ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ કોરોના માં મૃત્યુ પામનારના આંકડા છુપાવે છે. સત્તાવાર સરકારે જીલ્લામાં 48ના મોતનો આંકડો દર્શાવ્યો છે. પરંતુ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ન્યાય યાત્રામાં 1700થી વધુ વ્યક્તિઓ જીલ્લામાં મૃત્યુ પામ્યા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. લોકોએ તેમના મૃત્યુ પામનાર સ્વજનોના નામ ફોર્મ ભરી વિગત દર્શાવી છે. હજુ કોંગ્રેસની આ યાત્રા જિલ્લામાં અન્ય ગામોમાં પણ જશે તે જોતા 2000 વ્યક્તિઓ કરતા વધુ આમાં મૃત્યુ થયા હોવાનું બહાર આવશે તેવું લાગી રહ્યું છે.

આ બાબતને લઇ સભામાં ભારે ગરમાગરમી થઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેને જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોનામાં જે કામગીરી કરી છે તેને બિરદાવવી જોઈએ તેના બદલે આવા ખોટા સવાલ ઉઠાવવા ન જોઈએ તેવું જણાવ્યું હતું. આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના કામો લીધા હતા. જેમાં 15માં નાણાપંચ અંતર્ગત 11 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક સુવિધાની અંદર ગટર પાણીના પ્રશ્નો, સાફ-સફાઈ વગેરેનો સમાવેશ થતો હતો આ સભામાં ઠાસરા તાલુકાના નેશમાં જિલ્લા પંચાયત હસ્તકની જગ્યામાં ચાલતી સ્કૂલનું ભાડુ પ્રાઈવેટ પાર્ટીને ચૂકવાતું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આની તપાસ કરવા પણ પ્રમુખે તૈયારી બતાવી છે.

માતર તાલુકામાં શૌચાલયના કામમાં ભારે ગેરરીતી આચરી હોવાનો પ્રશ્ન સભામાં ચગ્યો
માતર તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ગરીબોને શૌચાલય બનાવી આપવામાં આવે છે. 1111 શૌચાલય માતર તાલુકામાં મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના શૌચાલયો ચોપડા પર બન્યા હોવાનો મુદ્દો આજે જિલ્લા પંચાયતમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો જેને લઇને પણ ગરમાગરમી જોવા મળી હતી. વિપક્ષે એવો આક્ષેપ કર્યો છે કે માતર તાલુકાના માછીયલમાં 46 શૌચાલયો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 4 બન્યા છે. બાકીના 42 ચોપડા પર બની ગયા છે. આવા તો ઘણાં ગામો છે અમે લોકો ગામે-ગામે જે આની તપાસ કરીશું લાખો રૂપિયાનું કૌભાંડ આ શૌચાલયમાં થયું હોવાનું આક્ષેપ કર્યો છે. આ મુદ્દે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે આ બાબતની તપાસ અમે કરીશું જિલ્લા વિકાસ અધિકારીને આ મુદ્દાની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અને જવાબદાર સામે પગલાં ભરીશું તેમ કહ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યને પ્રમુખે બેસી જવા આદેશ કરતા ચકચાર
ખેડા જિલ્લાની સામાન્ય સભામાં આમંત્રિત મહેમાન તરીકે જીલ્લાના ધારાસભ્યોને બોલાવવામાં આવે છે. આજની સામાન્ય સભામાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર હાજર રહ્યા હતા. તેવો ઊભા થઈ પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે તમે બેસી જાવ તમે આમંત્રિત મહેમાન છો તમારે પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી તેવું કહેતા ચકચાર મચી હતી ધારાસભ્યને પોતાનું અપમાન થયું હોવાનું લાગી રહ્યું હતું.

કઠલાલ તાલુકામાં નવી બે ગ્રામ પંચાયત બનશે
ખેડા જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં કઠલાલ તાલુકાના ગુગડિયા ગ્રામ પંચાયતમાંથી નાની ભણાવત અને મોટીભણાવત એમ બે ગ્રામ પંચાયત બનાવવા ઠરાવને મજૂરી મળી છે. આવનાર સમયમાં સરકારમાંથી આ અંગેની કામગીરી પણ કરાશે.

પ્રશાસનનો આંકડો સાચો જ છે
સરકારે જે આંકડા જાહેર કર્યા હોય તે ખરાઈ કરીને કર્યા હોય, એટલે ખોટા હોવાની વાત જ નથી. ખાનગી હોસ્પિટલોના મૃતકો દર્શાવ્યા નથી. સરકારે કોરોના કાળ દરમિયાન ખડે પગે રહી સતત લોકોની સેવા કરી છે. વિરોધ પક્ષના કેટલાક સવાલો તો પંચાયત ધારાની બહારના છે, છતાં જવાબ આપ્યા છે. પંચાયત ધારો ભણાવવા માટે બધાને બોલાવ્યા હતા, તે સમયે ગેરહાજર રહ્યા હતા. > નયનાબેન પટેલ, પ્રમુખ

અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે
વિરોધ પક્ષ દ્વારા કોરોના મૃતકઆંક બાબતે આક્ષેપ કરતા જિલ્લા આરોગ્ય અધિકારી રજનીકાંત કાપડીયાનો સંપર્ક કરતા કોરોના મૃતકોનું રીપોર્ટીંગ સિવિલમાં થતુ હોવાનું જણાવાયુ હતુ. જેથી નડિયાદ સિવિલ હોસ્પિટલના ડૉ. નાસર સાથે વાતચીત કરતા તેમણે મૃતકોનું રીપોર્ટીંગ જિલ્લા પંચાયત દ્વારા થતુ હોવાનું જણાવ્યુ હતુ. જેથી બંને વિભાગોના અધિકારીઓ દ્વારા એકબાજીને ખો આપવામાં આવી છે.

સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ્ટ હોવાનું પ્રમુખે કબુલ્યુ
પ્રશ્નોતરી દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે કબુલ્યુ હતુ કે, સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ્ટ છે. હાલ જિલ્લામાં 936 ઓરડાની ઘટ છે. જેને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાંકી પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળને લીધે નવા ઓરડાની ગ્રાન્ટ ફાળવી શકાઈ ન હોવાનું પણ જણાવ્યંુ હતું. આ વર્ષે 350 જેટલા ઓરડા બનશે તેમ પણ ઉલ્લેખ કર્યો હતો.

સત્તાધીશો સાચો મૃતાંક રજૂ કરે
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કારણે 48 લોકોનું જ જિલ્લામાં મોત થયુ હોવાનો જવાબ આપ્યો છે. કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢી કોરોનાના કારણે મૃત્યુ થયુ હોય તેમનું ફોર્મ ભરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી જિલ્લામાં 1700 જેટલા ફોર્મ ભરાયા છે અને હજુ પણ ન્યાયયાત્રા ચાલુ છે. એટલે જિલ્લામાં 2 હજાર લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ત્યારે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા આંકડા છુપાવી રહી છે. > રાજેશભાઈ ઝાલા, સભ્ય, કોંગ્રેસ

​​​​​​​વિપક્ષ દ્વારા શૌચાલય કૌભાંડની રજૂઆત કરવામાં આવી
વિપક્ષના નેતા બાબુભાઈ સોલંકી દ્વારા માતરના માછીયેલમાં શૌચાલય બનાવવામાં કૌભાંડ થયાના આક્ષેપ કર્યા હતા. 111 શૌચાલયો ફાળવ્યા હોય, શૌચાલયોનું નિર્માણ કર્યા વગર જ અધિકારીઓ અને નેતાઓની સાંઠ-ગાંઠથી નાણાં ઉપાડી લેવાયા હોવાનું જણાવ્યુ હતુ. ઉપરાંત છેલ્લી ત્રણ સામાન્ય સભામાં આ અંગે તપાસ કરીશુ એટલો જ જવાબ પ્રમુખ દ્વારા અપાતો હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...