લેન્ડગ્રેબિંગ મુદ્દે કાર્યવાહી:નડિયાદમાં111 દિવસથી ફરાર ભાનુની CMના આગમન પૂર્વે ધરપકડ; હેલીપેડ રીંગ રોડથી બિલોદરા ચોકડી તરફના રસ્તા પરથી ઝડપી પાડ્યો

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાનુ ભરવાડ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ભાનુ ભરવાડ - ફાઇલ તસવીર
  • બિલોદરા પાસે સરકારી નાળ કરવા બદલ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો છે

નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડની આખરે અટકાયત કરાઈ છે. બિલોદરા ચોકડી પાસે ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ ઉભું કરવા બદલ જિલ્લા કલેક્ટરે ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. આવતીકાલે CM આવવાના છે ત્યારે ફરિયાદ દાખલ થયાના 111 દિવસ વધુનો સમય વીતી ગયા બાદ આજે LCB પોલીસે નડિયાદમાંથી જ ભાનુ ભરવાડની ધરપકડ કરતાં રાજકારણ ગરમાયું છે.

મળતી માહિતી મુજબ, નડિયાદ LCB, SOG અને સ્થાનિક પોલીસ સહિત 3થી 4 ટીમ ભાનુ ભરવાડની શોધખોળમાં લાગી હતી, ત્યારે આજરોજ નડિયાદ LCBને ભાનુ ભરવાડની હયાતીની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેને હેલીપેડ રીંગ રોડથી બિલોદરા ચોકડી તરફના રસ્તા પર પાર્થ પાર્ટીપ્લોટ સામેથી ઝડપી પાડ્યો છે. પોલીસે નડિયાદ રૂરલ મથકે ભાનુભરવાડને કસ્ટડીમાં રાખ્યો છે. જેને આજે કૉર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

નોંધનીય બાબત એ છે કે, ભૂમાફિયા ભાનુ ભરવાડ સામે આટલી ગંભીર ફરિયાદ હોવા છતાં અત્યારસુધી તે ખુલ્લેઆમ ફરી રહ્યો હતો. ફરિયાદીપક્ષે અનેકવાર તેની ધરપકડ કરવા માટે માગ કરી હતી. તેમ છતાં પોલીસ પ્રશાસન દ્વારા ફરિયાદ નોંધાયાના સડા ત્રણ મહિના બાદ ધરપકડ કરતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેમાંય વળી, નડિયાદમાંથી જ ભાનુની ધરપકડ થઈ છે.ઉલ્લેખનીય છે કે, ભાનુ ભરવાડ સામે 26 જુલાઈના રોજ નડિયાદ રૂરલ મથકે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. જેમાં સરકારી નાળ પર દબાણ કરી બાંધકામ કર્યુ હોવાનું સામે આવ્યું હતું.

પુત્ર બાદ પિતાની પણ ધરપકડ
થોડા દિવસો પહેલા જ બિલોદરા મારામારી કેસમાં ભાનુ ભરવાડનો પુત્ર નવઘણ ભરવાડ જેલમાં ગયો છે. કૉર્ટે મારામારી અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. હજુ પુત્ર માટે કોઈ કાયદાકીય બારી તલાશે તે પહેલા જ ભાનુ ભરવાડની પણ અટકાયત કરી લેવાતા તેની માટે પડ્યાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ભાનુ ભરવાડના નામે અનેક વિવાદો
લેન્ડગ્રેબિંગના કેસમાં ભાનુ ભરવાડની અટકાયત થઈ છે, ત્યારે અગાઉ પણ તેની સામે ઘણાં ગુના નોંધાયેલા છે. ખોટી રીતે જમીનો પડાવી લેવી, મારામારીના કેસ,ખનીજ ચોરી અને ફરિયાદીઓને ધમકાવવાની બાબતોના વિવાદમાં સંપડાયેલો છે, ત્યારે પોલીસ ભાનુને કૉર્ટમાં રજૂ કરે તે વખતે જામીન મળવામાં આ બાબતો નડતર બને તેવી શક્યતાઓ છે.

ધરપકડ થતાં જ કાઉન્સિલર ભત્રીજો દોડી આવ્યો
ભાનુ ભરવાડની ધરપકડ થયાની વાત વહેતી થતાં જ તેમનો ભત્રીજો અને ભાજપી કાઉન્સિલર બાલાભાઈ ભરવાડ નડિયાદ ગ્રામ્ય મથકે દોડી આવ્યો હતો.એક તરફ મુખ્યમંત્રીનું આગમન થવાનું છે ત્યાં ભાજપના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડની અટકાયત કરી લેવાઈ છે. સત્તાપક્ષના અનેક દિગ્ગજ નેતાઓ સાથે ઘેરાબો ધરાવતાં ભાનુની અટકાયત રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...