તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વસોના થલેડીથી મિત્રાલનો રસ્તો, આઝાદીથી આજદિન સુધી પાકો રસ્તો ના બનતા લોકોમાં રોષ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર, ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય

ખેડા જિલ્લાના વસો તાલુકા મથક બન્યા બાદ આ તાલુકાના ગામો સાથે સતત અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યાં છે. વસોના થલેડીથી મિત્રાલ તરફ જવાનો ધુળીયો રોડ ક્યારે પાકો બનશે તેની રાહ કાગડોળે ગ્રામજનો જોઈ રહ્યા છે. આ રોડ બનાવવા માટે ગ્રામજનોએ અવારનવાર સત્તાધીશો અને નેતાઓને આજીજી કરી છે. પરંતુ પરીણામ આજ દિન સુધી ન આવ્યું. રોડ પાકો નહીં બનતા ચાર હજારથી વધુ લોકોને ચાર કિલોમીટરનો વધારાનું ચક્કર ફરવું પડે છે. આઝાદીના સમયથી આ ધુળીયો રોડ હવે પાકો ક્યારે બનશે તેની મીટ માંડી ગ્રામજનો બેસી રહ્યા છે.

થલેડીથી મિત્રાલનો ધુળીયો રોડ ક્યારે પાકો બનશે તેની રાહ જોતાં ગ્રામજનો
થલેડીથી મિત્રાલનો ધુળીયો રોડ ક્યારે પાકો બનશે તેની રાહ જોતાં ગ્રામજનો

વસો તાલુકાના થલેડી ગામની અંદાજીત વસ્તી આશરે 4 હજાર ઉપરની છે. રજૂઆતના પગલે થલેડીથી ડેમોલ તરફનો પાકો રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ થલેડીથી મિત્રાલ તરફના ધૂળીયા રોડ પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. ત્રણ કિલોમીટરનો આ રોડ આઝાદી કાળથી બન્યો ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ ધૂળીયા રોડ પરથી દ્વિચક્રી વાહન લઈને પણ નીકળવું મુશ્કેલ છે. નજીકમાં જ ચોમાસુ છે ત્યારે આ રોડ પર પારવાર કાદવ કિચ્ચડ રહેશે. ગ્રામજનો આ કાચા રસ્તાને કારણે વધારાના 4 કિમીનું અંતર કાપવા મજબુર થવુ પડ્યું છે.

ચૂંટણી સમયે મત માગતા નેતાઓ રસ્તો બનાવવાનું ભૂલી ગયા
ચૂંટણી આવે ત્યારે નેતાઓ આ રોડને પાકા બનાવવાની ખાતરી આપે છે. પરંતુ ચૂંટણી પુરી થાય અને તે બાદ વચન આપેલું ભુલી જતાં હોય છે. અને તે બાદ તો ગામમાં મુલાકાત માટે પણ આવતાં નથી. આ રીતે લોકશાહીના સાત દાયકાઓ પણ પુરા થઈ ગયા પરંતુ પાકો રોડ આજ દિન સુધી બન્યો નથી. થલેડીથી મિત્રાલ આગળ રામોલ, આખડોલ રોડને જોડતો આ રોડ ક્યારે પાકો બનશે તેની રાહ કાગડોળે જોવાઈ રહી છે.

ઉપરોક્ત ગ્રામજનોને નડિયાદ આવવુ જવું હોય તો કરોલી કે રામોલ ઉપર થઈને વધારાનાં ચાર કીમી ફરીને આવવુ પડે છે. જેથી ગ્રામજનોના સમય અને નાણાં એમ બન્ને વેડફાઈ છે. આ પ્રશ્ન અંગે અગાઉ કલેકટરને રાત્રી સભામાં પણ રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ થલેડીથી મિત્રાલ તરફનો ડામર રોડ બનાવવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...